વડોદરા : શહેરના દિવાળીપુરા ખાતે આવેલી ડિસ્ટ્રિકટ કોર્ટમાં પારિવારિક મિલકતો સંદર્ભે ચાલતા કેસમાં અવારનવાર પડતી તારીખોથી કંટાળીને આધેડ વયની વ્યક્તિએ કોર્ટની બહાર પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના બનાવથી ચકચાર મચવા પામી છે. બપોરના સુમારે આધેડની ચીસો સાંભળી સ્થળ પર હાજર વકીલો દોડી આવી આગ બુઝાવીને તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ડિસ્ટ્રિકટ કોર્ટમાં બપોરના સુમારે અસીલો અને વકીલોની અવરજવર ચાલુ હતી. બપોરના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કોર્ટના પહેલા માળના બાથરૂમમાં ઈન્દ્રવદન દવેએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને કોર્ટની બહાર આવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટ સંકુલના પહેલા માળે બનેલી આ ઘટનામાં સળગતા ઈન્દ્રવદન દવેની બૂમો સાંભળી સ્થળ પર હાજર વકીલો અને અન્ય અસીલો દોડી આવીને આગ બુઝાવી નાખી હતી તેમજ ૧૦૮ મારફત ગંભીર રીતે દાઝેલા ઈન્દ્રવદન દવેને સારવાર માટે ગોત્રી ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને અત્રેની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે કોર્ટમાં હાજર વકીલોએ જણાવ્યું હતું કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર ઈન્દ્રવદન દવેનોે પારિવારિક મિલકતના મામલે વરસોથી ચાલતા ઝઘડા અંગેનો કોર્ટ કેસ ચાલુ છે. આ સિવિલ મેટરમાં કોર્ટમાં અવારનવાર પડતી તારીખોથી કંટાળીને ઈન્દ્રવદન દવેએ આ પગલું ભર્યું છે. ઈન્દ્રવદન દવે કોર્ટમાં થેલી લઈને આવ્યા હતા અને થેલીમાં કાગળિયાઓની સાથે પેટ્રોલ ભરેલી બોટલ પણ સાથે લાવ્યા હતા.

હજુ ન્યાય નહીં મળે તો ઘરના તમામ સુસાઈડ કરશે

ડિસ્ટ્રિકટ કોર્ટની બહાર પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પ૬ વર્ષીય ઈન્દ્રવદન દિનકરરાય દવે (રહે. યમુનાનગર સોસાયટી, ઝવેરનગર પાસે, વાઘોડિયા રોડ) શરીરના પીઠના ભાગે દાઝી ગયેલા હોવાથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર લેતા ઈન્દ્રવદનભાઈએ જણાવ્યું હતું કે, સામાવાળાએ ૩૦૭નો ખોટો કેસ રાવપુરામાં બનાવ્યો છે તે પહેલાં ૧૩૮નો કેસ હતો, જે રફેદફે કરી નાખ્યો, જેના પુરાવા માગ્યા નથી. આ કેસ મારા ભાઈનો છે. મને આ કેસમાં ખોટો સાક્ષી બનાવી તેના પુરાવા નહીં મંગાવીને સાજીસ કરી કેસને ફાઈલ કરી નાખ્યો છે. આ બાબતે ઉપલી અદાલતમાં ગયા, ત્યાં હાઈકોર્ટના વકીલ કહે છે, તમે હારી ગયા, કોઈ કેસની નકલ આપવા તૈયાર કે કેસની વિગત સમજાવવા તૈયાર નથી અને કહે છે કે, સુપ્રીમમાં જવાની તાકાત છે? સાહેબ નાના માણસને અહીંનું જ્ઞાન નથી, તો સુપ્રીમનું જ્ઞાન ક્યાંથી હોય! ઈન્દ્રવદનભાઈએ વધુમાં જણાવ્યું કે, અહીં વકીલોની મિલીભગતથી કેસો ચાલે છે જેની પાસે ઝેર ખાવાનો રૂપિયો નથી તેને કરોડપતિ બનાવી દીધો. મિલકતો, દાગીના બધુ પડાવી માતા પાસેથી પડાવી લીધું, હજુ ન્યાય નહીં મળે તો વારાફરથી ઘરના બધા સુસાઈડ કરશે. ખરેખર તો મને ન્યાય માગવાની રીત જ ના સમજાઈ. હાલમાં ઉપરોક્ત સ્થળે ભાઈ સાથે દસ દિવસથી રહું છું, મારું જીવન આ વકીલોને ફી ચૂકવવા છેલ્લા પાંચ વર્ષથી રોડપર રખડતો-ભટકતો થઈ ગયો છું, ગમે ત્યાં રહું છું અને સૂઈ જાઉં છું. છૂટક મજૂરી કામ કરી, રિક્ષા ચલાવી લઉં છું. છેલ્લા ત્રણ વર્ષથી જેલ રોડ પર રહું છું. મારા વકીલો શહેરના ધુરંધર વકીલો છે, પરંતુ તેઓ મને ન્યાય નહીં અપાવી શકે તેવું ઈન્દ્રવદનભાઈએ જણાવ્યું હતું.