રાજકોટ, રાજકોટમાં એક સાથે ચાર લોકોએ આપઘાતનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. એક સાથે ચાર લોકોએ એક મીઠાઈની દુકાનમાં ફિનાઇલ ગટગટાવીને આપઘાતની પ્રયાસ કર્યો હતો. જમીન વિવાદમાં તમામ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે. બનાવ બાદ ચારેય લોકોને સારવાર માટે ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ શહેરના મવડી રોડ પર આવેલી શિવ શક્તિ નામની મીઠાઈની દુકાનમાં બન્યો હતો. સોમવારે બપોરના સમયે શોભનાબેન ચાવડા, ગૌરીબેન ચાવડા, મંજુબેન વાઘેલા અને કેતન સાગઠીયા નામના ચાર વ્યક્તિઓએ શિવ શક્તિ ડેરી ખાતે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરનાર લોકોએ ડેરીના મલિક સહિત ત્રણ લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. આ મામલે ડેરી માલિકે જણાવ્યું હતું કે, “ચાર લોકોએ દુકાનમાં આવીને ફિનાઈલ પી લીધું છે. અમારી સાથે તેમને શું વિવાદ છે તેની અમને કોઈ જાણ નથી. કોર્પોરેશન તરફથી ડિમોલિશન કરી જમીન ક્લિયર થયા બાદ અમે ખરીદી છે. જે બાદમાં તે લોકોએ ડો.બાબાસાહેબની મૂર્તિ મૂકી હતી. અમે ૧૫ લાખ રૂપિયા આપીને સમાધાન કર્યું હતું. ડો.બાબાસાહેબનું મંદિર બનાવી આપ્યું છે. કોઈ વાદ-વિવાદ હોય તો અમે જગ્યા ન લઈએ. બે-ત્રણ દિવસથી મને કોઈના ફોન આવી રહ્યા હતા કે, અમને પેમેન્ટ નથી મળ્યું. મેં તેમને કમિટીમાં વાત કરીને ર્નિણય લેવાનું કહ્યું હતું. જે જમીનનો વિવાદ છે તે જમીન આઠ જેટલા પાર્ટનરો તરફથી ખરીદવામાં આવી છે. આ જમીનની કિંમત અંદાજીત ૫૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

જમીનના પાર્ટનાર એવા જગદીશભાઈના કહેવા પ્રમાણે ખેડૂતની જમીન પર ગેરકાયદે સૂચિત સોસાયટી ઊભી કરી દેવામાં આવી હતી. જે બાદમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યા હતા. સરકારના ઓર્ડર બાદ એ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જે બાદમાં ખેડૂત પાસેથી અમે આ જમીન ખરીદી હતી. ૪૨ વર્ષથી આ કેસ ચાલતો હતો. જે બાદમાં ૨૦૧૮માં અમે જમીન લીધી હતી. ફિનાઇલ પી લેનાર લોકોએ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જીતુભાઈ વસોયા, શિવશક્તિ ડેરીના માલિક જગદીશભાઈ અકબરી અને વિનુભાઈ ઠુમર તેમના પરિવારને ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. અરજીના જણાવ્યા પ્રમાણે, આ લોકો હાથ-પગ, ટાંટીયા ભાંગી નાખવાની ધમકીઓ આપે છે. અમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરે છે અને બેફામ ગાળો ભાંડે છે.