વડોદરા, તા.૭

સ્માર્ટ સિટી વડોદરાના વર્તમાન શાસકો અને તંત્રે પ્રતિ વર્ષની જેમ નાગરિકોને વરસાદી પાણીમાં ડૂબાડવાનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. પ્રિમોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળો ઉપર થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. છેલ્લા કેટલાય વરસોથી પાલિકામાં એકહથ્થુ શાસન ભોગવતા શાસકો બેફામ બની ગયા હોય તેમ જણાય છે. તેની સાથે સાથે વહીવટી તંત્ર પણ ખાડે ગયું છે. હાલમાં તો દલા તરવાડી જેવો ખેલ ચાલી રહ્યો છે. સ્માર્ટ સિટીના નામે કરોડોનો ખર્ચ થવા છતાં પણ નાગરિકોને પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઈટ જેવી સમસ્યાનો સચોટ ઉકેલ લાવી શકાયો નથી. શહેરમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે છે વરસાદી પાણીના નિકાલ.

દર વર્ષે શહેરના ચોક્કસ વિસ્તારોમાં નજીવા વરસાદમાં જ પણ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે નાગરિકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા છે. શહેરનો વ્યાપ વધતો જાય છે પરંતુ તંત્ર અને શાસકો વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉકેલી શકતા નથી, તેનું મુખ્ય કારણ એ છે કે, વરસાદી પાણીના નિકાલના જે કુદરતી સ્ત્રોત હતા તેવા કેટલાક કાંસ પણ દબાણો થયા છે, તો બીજી તરફ કાંસમાં પાઈપો અથવા સ્લેબ બનાવી બંધ કરાઈ રહ્યા છે જેના કારણે વરસાદી પાણીના નિકાલના સ્ત્રોત અવરોધાઈ રહ્યા છે. તંત્રને ખબર છે કે કેટલાક વિસ્તારમાં પાણી ભરાય છે, છતાં તેના માટે કોઈ સર્વે કરી નક્કર કામગીરી કરાતી નથી. રોડ પહોળા થવાથી વરસાદી પાણીના કુદરતી રીતે વહેવાના સ્ત્રોત અવરોધાયા છે. જેના કારણે નજીવા વરસાદમાં પણ મહાનગરના રોડ, સોસાયટીઓમાં સ્વિમિંગ પુલ સર્જાય છે. વળી આ પાણીનો વરસાદ થંભી ગયા બાદ પણ નિકાલ નહીં થતાં મચ્છરો અને જીવાતના ઉપદ્રવથી રોગચાળો પણ વકરે છે.