વડોદરા

કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે. કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તમામ રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોનાના આજે વધુ ૧૧૦ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૯,૧૩૧ પર પહોંચી ગઈ છે. આ સાથે કોરોનાની સારવાર લઈ રહેલા ૮ દર્દીઓના બિનસત્તાવાર આજે મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ એક દર્દીનું કોરોનામાં મોત ન થયું હોવાનું જાહેર કરતાં સત્તાવાર મૃત્યુઆંક ૨૨૮ પરસ્થિર રહ્યો છે. આજે ૧૨૮ દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ૧૦ દર્દીઓ સરકારી, ૧૪ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૧૦૪ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૧૭,૬૪૬ પર પહોંચ્યો છે.

સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેવા કે માંડવી, કારેલીબાગ, નવા યાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ કવાર્ટર્સ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા સહિત ગ્રામ્યના કોયલી, શિનોર, પોર, ડભોઈ, કરજણ, વાઘોડિયા, પાદરા સહિતના વિસ્તારોમાંથી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી ૪૧૪૪ વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાંથી ૪૦૩૪ નેગેટિવ અને ૧૧૦ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે વડોદરા શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૨૫૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૫૮ દર્દીઓ વેન્ટિલેટર, ૧૬૦ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૦૩૯ દર્દીઓની હાલત સ્થિર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

આજે નોંધાયેલા ૧૧૦ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૪૧ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર ઝોનમાં ૧૮, પશ્ચિમ ઝોનમાં ૧૭ અને પૂર્વ ઝોનમાં ૧૬ કેસોનો સમાવેશ થાય છે.