વડોદરા, તા.૧૮

શહેરના ઉત્તર ઝોનમાં ટીપી ૧૩ વિસ્તારમાં વરસાદના સમયે લોકોને પીવાનું દુષિત પાણી મળતું હોવાથી લોકો પરેશાન થયા હતા. આ ફોલ્ટ કોર્પોરેશનનું તંત્ર પણ શોધી શકતું ન હતું. પરંતુ વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકોએ વરસાદી ગટર સહિતની તમામ ચેમ્બરો ફરીને ફોલ્ટ શોઘ્યો હતો. જેમાં વરસાદી ગટરમાંથી પસાર થતી પીવાની પાણીની લાઈન જ લીકેજ હોવાથી લોકોને ગંદુ પાણી મળતું હતુ.અને સ્વચ્છ પાણીનો કેટલાક સમય થી વરસાદી ગટરમાં વહી જતા વેડફાટ થઈ રહ્યો હતો.પાલિકા તંત્ર દ્વારા ફોલ્ટ મળતા રીપેરીંગની કામગીરી ચાલુ કરી હતી.આ અંગે વોર્ડ નં-૧ કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલો કહ્યુ હતુ કે, ટીપી ૧૩ વિસ્તારમાં બંસીધર સોસાયટી, આંબેડકર નગર, રામવાટીકા વગેરે વિસ્તારમાં વરસાદ પડે ત્યારે લોકોને દૂષિત પાણી મળતું હતું. અને તેનો ફોલ્ટ મળતો ન હતો. પાલિકાનુ તંત્ર આ ફોલ્ટ પકડી શક્યા ન હતા.દુષિત પાણીની સમસ્યા થી ત્રસ્ત બંસીધર સોસાયટીના પ્રમુખ અને સોસાયટીના લોકોએ વિસ્તારના ડ્રેનેજ અને વરસાદી ગટરના ચેમ્બર ચેક કરતા ફોલ્ટ મળી આવ્યો હતો. જેમાં પ્રયાગથી આશ્રયની વચ્ચે ક્રિષ્ના પાસે ચેમ્બરમાં વરસાદી ગટર લાઈનમાં પીવાનું ચોખ્ખું પાણી મોટી માત્રામાં વહેતું દેખાતા પાણીની લાઈન વરસાદી ગટરમાંથી પસાર થતી હોવાથી આ લાઈન લીકેજ હોંવાનુ અને તેમાંથી ચોખ્ખું પાણી વરસાદી ગટરમાં વહેતું હતું. આ ફોલ્ટ મળી આવતા કોર્પોરેશનના તંત્રને જાણ કરી તંત્ર દ્વારા જેસીબી મશીનથી ખોદકામ કરાવીને રીપેરીંગની કામગીરી હાથ ઘરાઈ હતી.