વડોદરા : ભારતીય સૈન્યમાં મેજર જેવા ઉચ્ચપદે ફરજ બજાવતા પતિએ રૂા.પ૦ લાખના દહેજની માગ કરી પત્નીના વાળી ખેંચી માથું દીવાલ સાથે અથડાવી માર્યા બાદ કાઢી મૂકી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઈ છે. જેને પગલે ઉચ્ચ શિક્ષિત વર્ગ પણ દહેજની લાલચમાં આવી જઈ ક્રૂર બનતા હોવાનું બહાર આવ્યું છે.

મકાનના રિપેરિંગ કામ અને પહેલો માળ બનાવવા માટે ૫૦ લાખ રૂપિયા પિયરમાંથી ન લાવનાર એમબીએ થયેલી પત્નીને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકનાર મેજર સામે ફરિયાદ નોંધાઇ છે. એમબીએ થયેલી પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પિયરમાંથી રૂપિયા ૫૦ લાવવાનો ઇનકાર કરતાં પતિએ મારા વાળ પકડી દીવાલ સાથે માથું અથડાવ્યું હતું. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ કહેતા હતા કે તારો બાપ બહુ પૈસાદાર છે, જેથી તેને કહે કે આ સ્વિચ રિપેર કરાવે તેમજ આ મકાનનું રિપેરિંગ કામ કરાવી આપે.

શહેરના સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના અલકાપુરીમાં માતા-પિતા સાથે રહેતી યુવતીએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણીના લગ્ન ૨૦૧૭માં અલકાપુરી વિસ્તારમાં આવેલી ૪૭/૨, અરુણોદય સોસાયટીમાં રહેતા અને આર્મીમાં મેજર તરીકે નોકરી કરતા મિત બંકિમભાઇ સુતરિયા સાથે થયા હતા. લગ્ન બાદ બે દિવસ સુધી યુવતી સાસરીમાં રહી હતી અને એ બાદ મેજર મિત સુતરિયાની નોકરી યુ.પી. મેરઠ ખાતે રહેવા ગઇ હતી અને ત્યાં સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. લગ્નના ૧૫ દિવસ સુધી પતિએ સારી રીતે રાખી હતી, એ બાદ તેણે વહેલી ઊઠતી નથી, એવા નાના-નાના કારણો આગળ ધરી ઝઘડાઓ કરવાની શરૂઆત કરી હતી.

લગ્ન સમયે પિયરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂપિયા ૨૦ લાખની ચીજવસ્તુઓ તેમજ માતા-પિતાએ આપેલા સંસ્કારનું ભાથું લઇને મેજર પતિ મિત સુતરિયા સાથે સુખમય લગ્નજીવન જીવવા માટે આવેલી યુવતીના લગ્નના ૧૫ દિવસમાં જ સુખી દામ્પત્યજીવનના સેવેલા સપના ચકનાચૂર થઇ ગયા હતા. લગ્નના ૧૫ દિવસ પછી પતિએ મેરઠમાં આપેલા ત્રાસ અંગે માતા-પિતાને જણાવતાં તેમણે કહ્યું હતું કે સમય આવે બધું સમુંસૂતરું થઇ જશે એમ જણાવી સમજાવતાં પતિનો ત્રાસ સહન કરી રહી હતી.

ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૧૮માં યુવતી પતિ મિત સાથે વડોદરા આવી હતી. સાસરીમાં બાથરૂમની લાઇટની સ્વિચ બગડેલી હોવાથી તેણીએ પતિને જણાવ્યું કે, બાથરૂમની સ્વિચ બગડેલી છે, ત્યારે પતિએ જણાવ્યું કે, તારો બાપ બહુ પૈસાદાર છે, જેથી તારા બાપને કહે કે, આ સ્વિચ રિપેર કરાવે તેમજ આ મકાનનું રિપેરિંગ કામ કરાવી આપે તેમ જણાવીને ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો. ત્યાર બાદ પતિની બદલી મેરઠથી મણીપુર ઇન્ફાલ ખાતે બદલી થઇ હતી. જ્યાંથી તેઓને એક માસ માટે પ્રિ-પોસ્ટિંગ ટ્રેનિંગ માટે દીફુ ખાતે મોકલતા યુવતી પણ સાથે ગઇ હતી. પતિએ દીફુ ખાતે પણ નાના-નાના કારણો આગળ ધરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને અવાર-નવાર પિયરમાંથી રૂપિયા ૫૦ લાખ લઇ આવવા માટે દબાણ કરી મારઝૂડ કરતા હતા. દીફુ ખાતેથી પરત ઇમ્ફાલ ખાતે આવ્યા હતા. ઇમ્ફાલમાં પણ પતિએ વાળ પકડી માથું દીવાલમાં પછાડ્યું હતું અને પિયરમાંથી મકાનનો માળ બનાવવા માટે પિયરમાંથી રૂપિયા ૫૦ લઇ આવવા માટે જણાવ્યું હતું.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પિતા નિવૃત્ત છે. પિતાએ લગ્ન સમયે તેઓની જેટલી શક્તિ હતી તે પ્રમાણે દહેજ આપી દીધું છે, પરંતુ પતિ મિત અને તેના માતા-પિતા દ્વારા મકાનનો પહેલો માળ બનાવવા માટે રૂપિયા ૫૦ લાખની માગણી કરવામાં આવતી હતી. પતિએ જણાવ્યું કે, જાે તું પિયરમાંથી રૂપિયા ૫૦ લાખ લાવી શકતી ન હોય તો ડિવોર્સ આપી દે.

પતિ અને સાસુ-સસરાની રૂપિયા ૫૦ લાખની માગણી પૂરી ન કરતાં તેઓએ એપ્રિલ ૨૦૨૦માં ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિ સાથે સાંસારિક જીવન જીવવા માટે અનેક વખત સમાધાન પણ કર્યું હતું. પતિના ઉપલા અધિકારીઓને કરેલી અરજીઓ પરત પણ ખેંચી લીધી હતી. આમ છતાં પતિ અને સાસુ-સસરા દ્વારા રૂપિયા ૫૦ લાખ માટે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતો હતો.

સયાજીગંજ પોલીસે દહેજભૂખ્યા સાસરિયાંના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી એમબીએ થયેલી યુવતીની ફરિયાદના આધારે મેજર પતિ મિત બંકીમ સુતરીયા, સાસુ દર્શના સુતરીયા અને સસરા બંકિમભાઇ સુતરીયા સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.