વડોદરા : વેેસ્ટર્ન રેલવેના ૬ ડિવિઝન ખાતે યોજાયેલી જેક્સન કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ૧૬ ડાયરેક્ટરોની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૧૦ બેઠકો પર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ઉમેદવારોએ વિજય મેળવી સત્તાના સૂત્રો સંભાળ્યા છે. આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે વિજયોત્સવ સાથે કર્મચારીઓએ વિજેતાઓને શુભેચ્છા આપી હતી. વેસ્ટર્ન રેલવેના છ ડિવિઝનો મુંબઈ, વડોદરા, રતલામ, રાજકોટ, ભાવનગર અને અમદાવાદમાં જેકસન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ટાયરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મુંબઈ, વડોદરા અને રતલામ ડિવિઝનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની પેનલનો વિજય થયો હતો, જ્યારે અન્ય ડિવિઝન ઉપરાંત અજમેર અને કોટામાં પણ એક એક ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા. આમ ડાયરેક્ટર પદની ૧૬ બેઠકો પૈકી ૧૦ ઉમેદવારો વેસ્ટર્ને રેલવે મજદૂર સંઘના ચૂંટાઈને આવતાં જેકસન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં સત્તાના સૂત્રો સંભાળશે. આ અંગે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણે જણાવ્યું હતું કે રેલ કર્મચારીઓએ ભવ્ય વિજય દ્વારા સ્વ.જે.જી માહુરકર દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.