આણંદ, તા.૨૭ 

આંકલાવ તાલુકો ૩૨ ગ્રામ શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આજે આંકલાવ મામલદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આંકલાવ શહેર અને ગ્રામ્યમાં વિસ્તારમાં એટ્રોસિટીનો દુરુપયોગ કરી ક્ષત્રિય સમાજને નિશાન બનાવવામાં આવે છે. આસરમા ગામના સરપંચ સાથે થયેલાં દુર્વ્યવહારમાં તાત્કાલીક કાયદેસરના પાઠ ભણાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

આજે વહેલી સવારે જ આંકલાવ મામલતદારને આંકલાવ તાલુકો ૩૨ ગામ શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કેટલાંક સમયથી આંકલાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ કાયદાનો ખોટો ઉપયોગ કરીને શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ આસરમા ગામના શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના સરપંચ સામે ગામના જ રહેવાસી ચતુરભાઇ રોહિત દ્વારા કોઈ કારણસર બોલાચાલી થઇ હતી, જેમાં સરપંચે સંયમ રાખી વળતો કોઇ પણ જવાબ આપ્યો ન હતો. છતાં ચતુરભાઇ રોહિત દ્વારા એટ્રોસિટીનો કાયદો લગાડવાની વાત કરીને શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના સરપંચ અને શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે અશોભનીય, અભદ્ર અને અપશબ્દોનો મારો વરસાવ્યો હતો. આવી ઘટનાઓ અનેક વખત બની રહી છે. શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ ભારતના કાયદાનું સન્માન કરે છે, પરંતુ કાયદાનો દુરુપયોગ થતો હોય એ કોઈ કાળે સહન કરી શકાય તેમ નથી. આવેદનમાં એવી પણ માગણી કરાઈ છે કે, આ કાયદાને ફરીથી વિચારણા કરવામાં આવે અને આ કાયદામાં સંશોધન કરીને કોઈ વ્યક્તિ આ કાયદાનો પોતાના અંગત હિત માટે દુરુપયોગ ન કરે તેવાં સુધારાં કરવામાં આવે એ જરૂરી છે, જેથી અન્ય સમાજના વ્યક્તિને આ કાયદા થકી નુકસાન ન ભોગવવું પડે.