હરારે

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે શુક્રવારે હરારે સ્પોર્ટ્‌સ ક્લબ ખાતે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને ૧૫૫ રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ સાથે તેણે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નવ વિકેટ પર ૨૭૬ રન બનાવ્યા હતા. જવાબમાં યજમાનોએ તેની બધી વિકેટ ગુમાવીને ૨૮.૫ ઓવરમાં ૧૨૧ રનમાં મેચ ગુમાવી દીધી હતી.

બાંગ્લાદેશ તરફથી ઓપનર લિટન દાસે સદી ફટકારી હતી. તેણે આઠ ચોગ્ગાની મદદથી ૧૧૪ બોલમાં ૧૦૨ રન બનાવ્યા. તેના સિવાય બાંગ્લાદેશનો બીજો કોઈ પણ બેટ્‌સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. ઝિમ્બાબ્વેના લ્યુક જોંગવેએ ત્રણ વિકેટ ઝડપી હતી. રિચાર્ડ નાગરવાએ તેના નામે બે વિકેટ લીધી હતી. આશીર્વાદ મુજરબાનીને પણ બે સફળતા મળી. તેંદાઇ ચતારાને એક વિકેટ મળી.

ઝિમ્બાબ્વે માટે લક્ષ્ય સરળ નહોતું. પ્રથમ બે વિકેટ વહેલી પડ્યા પછી તે વધુ મુશ્કેલ બન્યું અને ત્યારબાદ વિકેટ પડવાની પ્રક્રિયા ચાલુ રહી. ટીમના ફક્ત ત્રણ બેટ્‌સમેન જ બેવડા આંકડા સુધી પહોંચી શક્યા. વિકેટકીપર રેગિસ ચીકાવાએ સૌથી વધુ ૫૪ રન બનાવ્યા. તેણે ૫૧ બોલની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન બ્રેન્ડન ટેલરે ૨૪ અને ડીયોન મેયર્સ ૧૮ રન બનાવ્યા હતા. શાકિબની સ્પિન સામે યજમાન ટીમના મોટાભાગના બેટ્‌સમેન ઘૂંટણિયે પડ્યા હતા. તેણે ૫ વિકેટ ઝડપી હતી અને આ સાથે તે વનડેમાં તેના દેશ માટે સૌથી વધુ વિકેટ લેનાર બન્યો હતો. આ કેસમાં તેણે પૂર્વ કેપ્ટન મશરાફે મોર્તઝાને પાછળ છોડ્યો હતો.