નવી દિલ્હી

પોતાની સ્પિન બોલિંગના આધારે ભારતને ઘણી મેચ જીતનાર હરભજન સિંહ હવે ફિલ્મના પડદે એક્શનમાં જોવા મળશે. હરભજન સિંહની નવી ફિલ્મ 'ફ્રેન્ડશીપ' નું ટીઝર 1 માર્ચે રિલીઝ થયું હતું. હરભજને તેની ટ્વિટર હેન્ડલથી તેની ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝર ત્રણ જુદી જુદી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મ 'ફ્રેન્ડશીપ' માં હરભજન એક વિદ્યાર્થી નેતાની ભૂમિકા નિભાવતો નજરે પડે છે. 2 મિનિટના ટીઝરમાં હરભજન એક્શન કરતો અને ડાન્સ કરતો જોવા મળશે. આ ટીઝર તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરના અંતે હરભજન ક્રિકેટના મેદાન પર પણ જોવા મળે છે. હવે જોવાનું એ રહ્યું કે ચાહકોને હરભજનનો આ નવો અવતાર ગમે છે કે નહીં. આ ફિલ્મ આ વર્ષે ઉનાળામાં રિલીઝ થઈ શકે છે.

હરભજન અગાઉ પંજાબી ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂક્યો છે. હરભજન લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહ્યો છે. આ મિની હરાજીમાં હરભજન સિંઘને કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે. આ પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો.