વડોદરા : આવતીકાલથી સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટ શરૂ થાય છે તે પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન બરોડાની ટીમના કપ્તાન કૃણાલ પંડયા અને સિનિયર પ્લેયર દીપક હુડા વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થયા બાદ દીપક હુડાએ ટીમમાંથી રમવાનો ઈન્કાર કરીને પોતાનું નામ પરત ખેંચ્યું હોવાનું તેમજ આ અંગે બીસીએને પત્ર લખીને જાણ કરી હોવાનું તેમજ તે હોટેલની રૂમ છોડીને નીકળી ગયો હોવાનું જાણવા મળે છે. 

બરોડામાં આવતીકાલથી સૈયદ મુસ્તાક અલી ટી-ર૦ ટુર્નામેન્ટની એલિટ ગ્રૂપ સીની ૧૫ મેચો તા.૧૮મી સુધી રમાનાર છે. જેમાં બરોડા ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હિમાલચ પ્રદેશ, ગુજરાત અને ઉત્તરાખંડની ટીમનો સમાવેશ થાય છે. તમામ ટીમના પ્લયરોના કોવિડ ટેસ્ટ બાદ ટીમોએ અલગ અલગ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ શરૂ કરી છે. ત્યારે બરોડાની ટીમ રિલાયનસ સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન બરોડાની ટીમના કપ્તાન કૃણાલ પંડયા અને સિનિયર પ્લેયર દીપક હુડા વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી સાથે ભારે દલીલો થતાં અન્ય પ્લેયરો તેમજ કોચ સહિતનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. જાે કે, ત્યાર પછી દીપક હુડા તેની સામે દુર્વ્યવહાર સંદર્ભે ટીમમાંથી પોતાનું નામ પરત ખેંચ્યું હતું તેમજ આ સંદર્ભે બીસીએને લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બરોડાની ટીમને અલકાપુરી વિસ્તારની હોટેલમાં એકોમોડેશન આપવામાં આવ્યું છે. કપ્તાન સાથેની બોલાચાલી બાદ તેણે હોટેલની રૂમ પણ છોડી નીકળી ગયો હોવાનું જાણવા મળે છે.

હુડાના સ્થાને સ્કાયલેબની જેમ કપ્તાન કૃણાલને બનાવાતાં વિવાદ!

બરોડાની ટીમમાં દીપક હુડાને હટાવી કપ્તાન તરીકે સ્કાલેબ કપ્તાન કૃણાલ પંડયાને મુકવામાં આવતાં જેને લઈને નારાજગી હોવાનું તેમજ ટીમના કેટલાક સભ્યો તેમજ બરોડાના ક્રિકેટ વર્તુળોમાં પણ ચર્ચા સાથે નારાજગી હોવાનું જાણવા મળે છે. જાે કે, મેચ પૂર્વે ટીમમાં વિવાદને લઈને ક્રિકેટ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.