વલસાડ

ધરમપુરના નાની વહીયાળ તેમજ તેની આસપાસના ગામોમાં રહેતા પ્રજાજનોને ધરમપુર તાલુકા મથકે જવા-આવવાની સુવિધા મળી રહે તે હેતુસર લાભ પાંચમના શુભ અવસરે નવી બસ સેવાને વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે લીલી ઝંડી આપી બસનું પ્રસ્‍થાન કરાવી શુભારંભ કરાવ્‍યો હતો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે નવા વર્ષ અને લાભપાંચમની શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી તાલુકા મથક સુધી લોકો સરળતાથી આવન-જાન કરી શકે તે માટે વસ્‍તીના ધોરણે આ બસ સેવા શરૂ કરવામાં આવી છે. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર હેઠળ ગામ, તાલુકો અને જિલ્લાને પાકા રસ્‍તાથી જોડતાં દરેક પ્રકારના વાહનોની આવન-જાવન પણ સરળ બની છે. આ બસ સેવા આ વિસ્‍તારના ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિત દરેકને ઉપયોગી નીવડશે. આ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ બસ સેવા ધરમપુર ડેપોથી સવારે ૮-૩૦ કલાકે નીકળી, હાથીખાના, નાશિક રોડ, બારોલીયા, કાકડકુવા, જલારામમંદિર, કાકડકુવા-ફુલવાડી ફાટક, પી.એચ.સી., આમલી ફળિયું (ડેરી), અટારા ફળિયું, જલારામ મંદિર ચોકડી, બરપટા ચાર રસ્‍તા, મેંદી ફળિયું, નિશાળ ફળિયા, બંગલા ફળિયું, વાંકા ફળિયા, નાની વહીયાળ થઇ પરત ધરમપુર જવા રવાના થશે.