ભરૂચ-

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અવાદળ ગામે રાત્રીના અંધારાનો લાભ લઇ દીપડાએ ત્રણ જેટલા પશુધનનું મારણ કર્યું હતું.ગાયોના ભાંભરવાનો અવાજ થતા ઘરમાં સુતેલો ચાકર જાગી જતા તેણે જનરેટર ચાલુ કરી લાઈટ કરતા દીપડો મારણ મૂકી ભાગી ગયો હતો.પરંતુ પાછી લાઈટ બંધ કરતા દીપડાએ આવી તેનો શિકાર ખેતરમાં દૂર ઢસડી લઈ ગયો હતો.આ બનાવને લઈ ખેતરમાં કામ કરતા ખેત મજૂરો નિંદામણનું કામ કરતા ડરી રહ્યા છે.વન વિભાગને જાણ કરતા આ ખેડૂતના ખેતરમા દિપડા પકડવાનું પાંજરું મુકવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા દિવસોથી દીપડો દેખાય રહ્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે. ઉછાલી , ભરણ , વાડી અને અવાદળ જેવા ગામડાઓમાં દીપડાઓ સીમમાં જોવા મળી રહ્યા છે. અવાદળ ગામે કાન્તીભાઈ લાલુભાઇ પટેલ શિક્ષક અને મૂળ ખેડૂતના ખેતરમાં રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં લાઈટ ન હોવાના કારણે અંધારાનો લાભ લઇ તેમના ખેતરમાં આવેલા મકાનમાં પાછળના ભાગે દીપડો ઘૂસી આવી ત્રણ જેટલા પશુધનને ગળાના ભાગે પકડી મારી નાખ્યા હતા. આ અંગે અંકલેશ્વર ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અવાદળ ગામે પાંજરું મૂકવા માટેની તૈયારી હાથ ધરી હતી.