મુંબઇ

2021ના રોજ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અચાનક ગ્લેશિયર તૂટતાં ધૌલીગંગા તથા અલકનંદા નદીમાં પૂર આવ્યું હતું. આશંકા છે કે 100થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સે આ મુશ્કેલ ઘડીમાં ઉત્તરાખંડના લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે.


શ્રદ્ધા કપૂરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાના સમાચાર વાંચીને દુઃખી છું. ત્યાંના લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું.'

અક્ષય કુમારે કહ્યું હતું, 'ઉત્તરાખંડના ગ્લેશિયર તૂટવાની તસવીરો ભયાવહ છે. દરેકની સલામતી માટે પ્રાર્થના.'

ગીતકાર પ્રસૂન જોષીએ પોસ્ટ કર્યું હતું, 'આશા છે કે ઉત્તરાખંડના ચમોલી તથા અન્ય જિલ્લામાં ગ્લેશિયર તૂટ્યા બાદ લોકો સુરક્ષિત હશે અને કોઈનો જીવ ના ગયો હોય. લોકો, અધિકારીઓ તથા બચાવ દળ માટે પ્રાર્થના કરું છું.'


દિયા મિર્ઝાએ પર્વતો પર થતી વિવિધ કામગીરી પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને હેલ્પલાઈન નંબર શૅર કરીને કહ્યું હતું, 'હિમાલયમાં બહુ બધા ડેમ બનાવવાને કારણે આમ થયું છે. ચમોલીના લોકો માટે પ્રાર્થના. મહેરબાની કરીને મદદ માટે ઈમરજન્સી સેન્ટરના નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરો.'

નુસરત ભરૂચાએ કહ્યું હતું, 'ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટનાથી દુઃખી છું. 150 મજૂરો લાપતા થયા. તમામની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.'

સોનુ સૂદે કહ્યું હતું, 'ઉત્તરાખંડ અમે તમારી સાથે છીએ.'

ભૂમિ પેડનેકરે સો.મીડિયામાં જણાવ્યું હતું, 'ઉત્તરાખંડમાં ફ્લેશ ફ્લડ તથા ગ્લેશિયર તૂટવાને કારણે અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના. આશા છે કે ભયજનક જગ્યા પર લોકો પૂરી સાવચેતી રાખી રહ્યા હોય.'

પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે પૂર એ કુદરતનું ભયાનક સ્વરૂપ છે અને લોકોના અવિચારી પગલાંને કારણે ક્લાયમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે.

ફિલ્મમેકર અભિષેક કપૂરે દુઃખી સ્વરે કહ્યું હતું, 'આંચકાનજક સમાચાર. ભગવાન આ રાક્ષસી માર્ગમાં વચ્ચે આવતા લોકોની રક્ષા કરે. હરિ ઓમ.'