મુંબઇ 

જાન કુમાર સાનુ 'બિગ બોસ'ના ઘરમાં ભલે કંઈ ન કરી શક્યો હોય, પરંતુ શોમાંથી બહાર થયા બાદ તે પોતાની પારિવારિક સમસ્યાઓને લઈને ચર્ચામાં છે. જાન કુમાર સાનુએ શોમાંથી બહાર આવતા જ પોતાના પિતા અને જાણીતા સિંગર કુમાર સાનુ પર પિતા તરીકેની કોઈ ફરજ ન નિભાવ્યાનો આક્ષેપ કર્યો હતો. જાને કહ્યું હતું કે, તેના પિતાએ તેના ઉછેર પર સવાલ ઉઠાવ્યો, જ્યારે કે, તેમને તેવું કરવાનો કોઈ અધિકાર નથી. એવું એટલા માટે કે, એક પિતા તરીકે તેમણે ક્યારેય તેની કે તેના ભાઈઓની અને તેની માતાની જવાબદારી ઉઠાવી નથી. હવે, આ સમગ્ર મામલે કુમાર સાનુએ પણ જવાબ આપ્યો છે. કુમાર સાનુએ કહ્યું કે, તેમને તેમના દીકરાની વાતો સાંભળી ઘણું દુઃખ થયું છે અને જ્યાં સુધી જવાબદારીની વાત છે તો આશિકી બંગલાથી લઈને મહેશ ભટ્ટ સાથે મુલાકાત કરાવવા સુધી, તેમણે જાન માટે ઘણું બધું કર્યું છે. 

કુમાર સાનુએ કહ્યું કે, 'સૌથી પહેલા તો બધા લોકો એ વિડીયો જુઓ. મેં તેમાં ક્યાંય ઉછેર શબ્દ નથી બોલ્યો. મેં કહ્યું કે, નાલાયક વાતો ન કરવી જોઈએ. નાલાયક વાતો, મેં તેને નાલાયક નથી કહ્યો. બીજી વાત કે, મહારાષ્ટ્રમાં રહે છે તો મરાઠી અને મહારાષ્ટ્રનું સન્માન કરવું જોઈએ અને એ શીખ તેને આપવી જોઈતી હતી. મેં એવું જ કહ્યું હતું. હવે, જ્યારે તે કહી રહ્યો છે કે, તેના પિતાએ તેના માટે કંઈ નથી કર્યું તો મને દુઃખ પહોંચ્યું છે.' 

કુમાર સાનુએ આગળ કહ્યું કે, 'જો તે કહી રહ્યો છે કે, પિતાએ કુમાર સાનુનું નામ આપવા સિવાય કંઈ નથી કર્યું, તો કદાચ ત્યારે તે ઘણો નાનો હતો અને એટલે તેને કંઈ ખબર નથી. પરંતુ, જ્યારે 2011માં મારા તેની માતાથી તલાક થયા તો તેની મમ્મીને જે પણ જોઈતું હતું, તે બધું મેં આપ્યું. રિટા ભટ્ટાચાર્યએ કોર્ટ દ્વારા જે પણ માંગ કરી, પછી તે મારો આશિકી બંગલો જ કેમ ન હોય, મેં તે પણ આપ્યો. સાથે જ મારા દીકરો મને મળતો રહ્યો છે, પરંતુ બિગ બોસ પછી હવે હું તેને નહીં મળું. તે ઈચ્છે તો પણ નહીં.' 

કુમાર સાનુએ કહ્યું કે, તે ક્યારેય પણ જાન 'બિગ બોસ'માં જાય તેના પક્ષમાં ન હતા. તે શોમાં એન્ટ્રી પહેલા પણ જાનને મળ્યા હતા. પરંતુ, તે જાનની પસંદ હતી કે તે શોમાં જવા ઈચ્છતો હતો. જાન બિગ બોસનો ફેન રહ્યો છે અને તેણે તેના માટે ઓડિશન આપ્યું. કુમાર સાનુએ કહ્યું કે, 'તે પછી જાને રિક્વેસ્ટ કરી કે બાબા મને શોમાં લઈ લો, તો અમે શોમાં લઈ લીધો. બાબા મારી મ્યૂઝિક ડાયરેક્ટર, પ્રોડ્યૂસર સાથે મુલાકાત કરાવી દો, તો હું તેને મહેશ ભટ્ટ, રમેશ તોરાની અને ઘણા લોકોની પાસે લઈ ગયો.'