ઈન્ડીયન પ્રીમીયર લીગ (આઈપીએલ)ને લઈને બીસીસીઆઈએ એક સારું શિડયુલ તૈયાર કર્યુ છે. બીસીસીઆઈ 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન આઈપીએલનું આયોજન કરવા માંગે છે એટલે કે કુલ 44 દિવસમાં 60 મેચોનું આયોજન કરાશે.

જો કે બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડીયા આ આયોજનથી નાખુશ છે જેનું કારણ દિવાળીનું વેકેશન છે. સૂત્રો અનુસાર, સ્ટાર ઈન્ડીયા આ દરમિયાન જાહેરાતોની સારી ડીલની અપેક્ષા રાખે છે અને તે દિવાળી વેકેશનનો સારી રીતે ઉપયોગ કરવા માંગે છે. દિવાળી 14 નવેમ્બરનાં રોજ છે અને સ્ટાર ઈન્ડીયા ઈચ્છે છે કે આઈપીએલ આ જ સપ્તાહમાં પુરી થાય. 

હકીકતમાં ભારત આ વર્ષના અંતમાં 3 ડીસેમ્બરથી શરૂ થતી 4 ટેસ્ટ મેચોની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટુર કરશે, જે માટે ટીમે વહેલુ જવુ પડશે. બોર્ડનાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'જો આઈપીએલ 8 નવેમ્બર સુધીમાં સમાપ્ત થઈ જાય તો ટીમ 10 તારીખે ઓસ્ટ્રેલિયા જઈ શકશે. કોવિડ 19 તપાસ, અભ્યાસ અને વોર્મઅપ મેચો જલ્દી શરૂ કરવી પડશે જેથી પહેલો ટેસ્ટ નકકી કરેલા સમયે શરૂ થઈ શકે. તેના સિવાય ભારત ડે-નાઈટ મેચના પહેલાં એક દિવસ-રાતનો વોર્મ-અપ મેચ રમવા માંગે છે જે શેડયુઅલમાં સામેલ કરવામાં આવશે.