વડોદરા, તા.૨૪

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સ્થાયી સમિતિની તા.૭મી જૂને મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રોડાં-છારૂ સપ્લાય કરવાના પૂર્વ અને દક્ષિણ ઝોનના આવેલા ટેન્ડરમાં સ્થાયી સમિતિએ ઓપન ઠરાવ કર્યો હતો. હાલ ચોમાસાની ઋતુમાં ઠેર-ઠેર ખાડા પડયા છે. એકના બદલે તમામને કોન્ટ્રાકટ આપવાના ઠરાવથી કોઈ કોન્ટ્રાકટર કામ કરવા તૈયાર નહીં થતાં સ્થાયીની દાદાગીરીએ રોડાં-છારૂનો સપ્લાય અટકતાં અધિકારીઓ અને શાસકોના પાપે શહેર ‘ખાડોદરા’ બન્યું છે. ઠેર-ઠેર પડેલા ખાડાઓ નાગરિકો માટે પરેશાનીના કેન્દ્રો બન્યા છે.

શહેરમાં ચોમાસાની ઋતુમાં પડતા નાના મોટા ખાડાઓ રોડાં-છોરૂથી પૂરવામાં આવે છે. રોડાં-છારૂ સપ્લાય માટે વાર્ષિક ઈજારો કરવામાં આવે છે. ત્યારે સ્થાયી સમિતિની તા.૭મી જુલાઈએ મળેલી બેઠકમાં દક્ષિણ અને પૂર્વ ઝોનમાં રોડાં-છારૂ સપ્લાય કરવા માટે આવેલા કામમાં ઓપન ઠરાવ કરી અંદાજથી પ.૮૮ ટકા ઓછાના ભાવે અન્ય ઝોનમાં પણ કામ કરી શકાશે તેવો ઠરાવ કરાયો હતો.ત્યારે એકના બદલે તમામને કોન્ટ્રાક્ટ આપવાના આ ઠરાવથી કોઈ કોન્ટ્રાકટર સપ્લાય કરવા તૈયાર નહીં થતાં સામા ચોમાસે સ્થાયી સમિતિની દાદાગીરીથી સપ્લાય અટક્યો છે અને ચોમાસામાં ઠેર-ઠેર પડેલા ખાડાઓ નાગરિકો માટે પરેશાનીના કેન્દ્રો બનવાની સાથે આ ખાડાઓમાં પાણી ભરાવાથી અસંખ્ય નાગરિકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે.

કમિશનર ગેરકાયદે ઠરાવ માટે ચૂપ કેમ?

કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિ. કમિશનર ઉપસ્થિત હોય છે. ત્યારે સ્થાયી સમિતિ દ્વારા વાર્ષિક ઈજારાના કામોમાં આવા ગેરકાયદે કરાતા ઠરાવ માટે ચૂપ કેમ રહે છે? તેવી ચર્ચા પણ પાલિકાવર્તુળોમાં થઈ રહી છે.

મોંઘાં ક્વોરી મટિરિયલથી ખાડા પૂરવાનો વારો

રોડાં-છારૂ સપ્લાય કરવાનો ઓપન ઠરાવ કરતાં તેનો સપ્લાય અટકવાથી પાલિકા દ્વારા સસ્તા રોડાં-છારૂને બદલે મોંઘાં ક્વોરીડસ્ટનો સપ્લાય ચાલુ કરવાની ફરજ પડી હતી. આમ, ૬૨ ટકા બચાવવા જતાં પાંચ ગણું મોંઘું મટિરિયલ વાપરવાની ફરજ પડી રહી છે.

ચોક્કસ કોન્ટ્રાકટરોને હેરાન કરવા સ્થાયીમાં ચાલતો જનરલ ઠરાવનો ખેલ

સ્થાયી સમિતિ દ્વારા પાછલાં કેટલાંક સમયથી વાર્ષિક ઈજારાના અનેક કામોમાં જનરલ ઠરાવ કર્યા છે. ખરેખર જે એલ-૧ આવે તેને કામ આપવાનું હોય છે. પરંતુ ચોક્કસ કોન્ટ્રાકટરોને હેરાન કરવા સ્થાયી સમિતિમાં જનરલ ઠરાવો કરવાનો ખેલ ચાલતો હોવાની ચર્ચા થઈ રહી છે.