ભરૂચ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લા દિવસે ચૂંટણી ફોર્મ ભરવા ભરૂચમાં ઉમેદવારોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. ઉમેદવારો તેમના ટેકેદારો અને સમર્થકોથી કલેકટર કચેરીનું કેમ્પસ ઉભરાયું હતું. ભાજપ આ પાલિકાના તમામ ઉમેદવારોએ ગતરોજ ફોર્મ ભરી દીધા હતા. છેલ્લા દિવસે જનતા અપક્ષ, આપ, એચ.એન.ડી., કોંગ્રેસ, બી.ટી.પી, એ આઈ એમ આઈ એમ સહિતના વિવિધ રાજકીય પક્ષ ના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ભરૂચ નગરપાલિકામાં છેલ્લા ૩૦ વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે માહોલ થોડો બદલાયો હોય તેમ લાગે છે. ભાજના વહીવટથી લોકોમાં નારાજગી ઉભી થઇ હોય તેમ લાગી રહ્યું છે. પરિણામે એક તરફ ભરૂચમાં ૧૧ વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ ભેગા થઈ જનતા અપક્ષ ના નામે ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે. તો બીજી બાજુ હિન્દુસ્થાન નિર્માણ દલ પણ મેદાનમાં આવ્યું છે. ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જનતા અપક્ષ અને એચ એન ડી એ સયુંકત રીતે શક્તિનાથ ખાતેથી વાજતે ગાજતે રેલી કાઢી હતી. મનહર પરમાર, ધવલ કનોજીયા, કમલેશ મઢીવાલા સહિત ઉમેદવારો અને સમર્થકો વાજતે ગાજતે કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે શહેરના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માંથી ૨૮ બેઠકો પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેને લઈ આ વખતે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેમ લાગી રહ્યું છે. મનહર પરમાર ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે વોર્ડ ૮ માંથી વિજેતા થયા હતા. પાછળથી તેમણે ભાજપને સમર્થન આપ્યું હતું. તેઓ આ વખતે સક્ષમ દાવેદાર હોવા છતાં તેમને ટિકિટ અપાઈ નથી. જેને લઈ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પોતાની જીતનો દાવો કર્યો હતો.