રોજિંદા જીવનમાં આપણે પણ અનેક બાધાઓનો સામનો કરવો પડે છે, પરંતુ આપણે ક્યારેય અટકવું જોઇએ નહીં. સતત આગળ વધતાં રહેવાથી જ સફળતા મળે છે. થોડી સમસ્યાઓ એવી હોય છે, જેનું સમાધાન તાકાત અને જોશથી નહીં, પરંતુ બુદ્ધિમાનીથી શોધી શકાય છે. આ અંગે શ્રીરામચરિત માનસનો એક પ્રસંગ છે. આ પ્રસંગ સુંદરકાંડનો છે.

શ્રીરામચરિત માનસના સુંદરકાંડમાં હનુમાનજી જ્યારે સીતાની શોધમાં દરિયો પાર કરી રહ્યા હતાં, ત્યારે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સુરસા અને સિંહિકા નામની રાક્ષસીઓ હનુમાનજીને દરિયો પાર કરવાથી રોકવા માંગતી હતી, પરંતુ બજરંગ બલી અટક્યા નહીં અને લંકા સુધી પહોંચી ગયાં.

જ્યારે સુરસાએ હનુમાનજીનો રસ્તો રોક્યો ત્યારે તેમણે તેની સામે લડવામાં સમય બગાડ્યો નહીં. સુરસા હનુમાનજીને ખાવા માંગતી હતી. તે સમયે હનુમાનજીએ જોશ નહીં, બુદ્ધિનો ઉપયોગ કર્યો. હનુમાનજી સુરસા સાથે યુદ્ધ પણ કરી શકતાં હતાં, પરંતુ તેમણે એવું કર્યું નહીં. તેમણે પોતાના શરીરનો આકાર વધારી લીધો.

હનુમાનજીનો આકાર જોઇને સુરસાએ પણ પોતાનું મુખ હનુમાનજીના આકારથી પણ વધારે મોટું કરી લીધું. ત્યારે હનુમાનજીએ અચાનક પોતાનું સ્વરૂપ નાનું કરી લીધું. નાનું સ્વરૂપ ધારણ કર્યાં બાદ તેઓ સુરસાના મુખમાં પ્રવેશ કરીને પાછા બહાર આવી ગયાં. હનુમાનજીની આ બુદ્ધિમાનીથી સુરસા પ્રસન્ન થઇ ગઇ અને રસ્તો છોડી દીધો. આપણે પણ ખોટો સમય બરબાદ કર્યાં વિના, બુદ્ધિનો ઉપયોગ કરીને આવી બાધાઓથી બચી શકીએ છીએ.