વડોદરા, તા. ૧૫

દશરથમાં રહેતા યુવક અને તેના મિત્રોને લગ્નમાં ડીજે પર ડાન્સ કરવાના મુદ્દે તકરાર થઈ હતી જેમાં અન્ય યુવકોએ હુમલો કરતા યુવકના મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ બાદ યુવક અને તેના મિત્રોએ ત્યાંથી પસાર થતી છાણી પોલીસની પીસીઆર વાનચાલક હેકો મનુભાઈ પાસે મદદ માંગી હતી પરંતું મનુભાઈએ પોલીસ મથકમાં લઈ જઈ યુવકના મોંઢા પર કારણ વિના જ લાફા ઝીંકી દઈ ઈજાગ્રસ્ત યુવકને કીક મારી હતી. આ સમગ્ર ઘટનાની યુવકે શહેર પોલીસ કમિ.ને ફરિયાદ કરતા તેની છાણી પોલીસ મથકના પીઆઈને તપાસ સોંપાઈ હતી પરંતું છાણી પીઆઈ મકવાણાએ પોતાના ખાતાના માણસને બચાવવા માટે યુવકને ફરિયાદ પરત ખેંચવા માટે રીતસરની કાકલુદી કરી હતી અને પોતાની જાતે તૈયાર કરેલા ખોટા નિવેદન પર યુવકની સહી કરાવી લઈ શહેર પોલીસ કમિ.ને પણ ઉંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.

દશરથના જયાબાનગરમાં રહેતા ૨૦ વર્ષીય શ્યામ નરેન્દ્ર ગોહીલ પુર્વી રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં ફરજ બજાવે છે. ગત ૧૧મી તારીખના રાત્રે શ્યામ અને તેના મિત્રોને દશરથ ખાતે લગ્નપ્રસંગમાં ડીજે પર ડાન્સના મુદ્દે અન્ય યુવકો સાથે તકરાર થતાં તેઓ ડાન્સ છોડીને હાઈવે પર તાપી હોટલ પર ગયા હતા. આ દરમિયાન તેઓની સાથે ઝઘડો કરનાર યુવકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને તેઓએ શ્યામના મિત્રો જયેશ અને દિલિપ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી અને ફરાર થયા હતા. આ બનાવ બાદ ત્યાં પેટ્રોલીંગમાં ફરતી છાણી પોલીસ મથકની પીસીઆર વાન આવતા શ્યામે તેને અટકાવી હતી અને વાનચાલક હેકો મનુભાઈ પુજાભાઈને ફરિયાદ કરવાની છે તેમ જણાવી મદદ માંગી હતી. હેકો મનુભાઈ શ્યામ અને તેના મિત્રોને પોલીસ મથકે લાવતા શ્યામે ‘સાહેબ કોણ છે ? ’ તેમ પુછતા હેકો મનુભાઈનું સ્વમાન ઘવાયુ હતું અને તેમણે શ્યામને કારણવિના જ મોંઢા પર પાંચ-છ લાફા ઝીંક્યા હતા અને ઈજાગ્રસ્ત મિત્રને કીક મારી હતી. આ બનાવની શ્યામે શહેર પોલીસ કમિ.ને ફરિયાદ કરતા પોલીસ કમિ.ને છાણી પીઆઈને તપાસનો આદેશ કર્યો હતો.

આ બનાવમાં પોતાના ખાતાના માણસ પર કડક કાર્યવાહી થાય તેમ હોઈ પીઆઈ આર.ડી.મકવાણા જાતે એકશનમાં આવ્યા હતા. તેમણે આજે શ્યામને પોલીસ મથકે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેને આ ફરિયાદ પરત ખેંચી લઈ સમાધાન કરવા માટે રીતસરની કાકલુદી કરી હતી તેમજ હેકો મનુભાઈની ક્યારની વાડી પોલીસ મથકમાં બદલી થઈ છે તો તેેમની બદલી કરવાની ખાત્રી આપી હતી અને શ્યામને ભવિષ્યમાં તેનું કામ કાઢી આપવાની પણ લાલચ આપી હતી. પીઆઈ મકવાણાએ શ્યામનું વિગતવાર નિવેદન લેવાના બદલે જાતે તૈયાર કરેલા નિવેદન પર તેની સહી કરાવી લીધી હતી. જાેકે સહી કર્યા બાદ શ્યામને આ નિવેદનમાં પીઆઈએ સાવ ખોટી વિગતો જણાવી હોવાની જાણ થતાં તેણે તુરંત પીઆઈને આ બાબતે ધ્યાન દોર્યું હતું જેથી પીઆઈએ તેને આવતીકાલે નિવેદનમાં ફેરફાર કરવાનું આશ્વાસન આપી ચુપ કરાવી દીધો છે. વિવાદ ટાળવા માટે ફરિયાદીને કાકલુદી કરી તેમજ ભવિષ્યમાં કામ કાઢી આપવાની લાલચ આપીને સમાધાન કરાવી લઈ પીઆઈ મકવાણાએ બોગસ નિવેદન પર સહી કરાવી લઈ ખુદ શહેર પોલીસ કમિ.ને ઉંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ કરતા પીઆઈ મકવાણાની આવી કામગીરી બદલ પોલીસ ઉચ્ચાધિકારીઓ શું પગલા લેશે તેની પર સૈાની નજર મંડાઈ છે.

શું હતો સાચો બનાવ અને પીઆઈએ ક્યાં છબરડો વાળ્યો ?

પીઆઈ આર.ડી.મકવાણાએ તૈયાર કરેલા નિવેદન પર મારી સહી કરાવી લીધી હોવાનો આક્ષેપ કરતા ફરિયાદ શ્યામ ગોહીલે જ સમગ્ર બનાવનો ‘લોકસત્તા-જનસત્તા’ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે મારા મિત્રો પર હુમલો કરી યુવકો ફરાર થયાની ગણતરીના સમયમાં જ ત્યાંથી છાણીની પીસીઆર વાન આવી હતી છતા આજે મારા નિવેદનમાં એવું લખ્યું હતું કે મે ૧૦૦ નંબર પર ફોન કરતા ઝઘડો કરનાર છોકરા ભાગી ગયા હતા અને ત્યારબાદ પીસીઆર વાન આવેલી, ખરેખરમાં તો મે કે મારા મિત્રોએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો જ નથી. મને હેકો મનુભાઈ પુજાભાઈએ પાંચથી છ લાફા ઝીંક્યા છે છતાં નિવેદનમાં પોલીસવાળાએ મને બે-ત્રણ લાફા માર્યા છે તેમ લખ્યું છે. મારા મિત્રોને એવી ગંભીર ઈજા પણ નહોંતી કે તેઓને તાત્કાલિક હોસ્પિટલ જવું પડે અને હું અને મારા મિત્રો તો માત્ર ફરિયાદ કરવા માટે જ પોલીસ મથકમાં ગયેલા પરંતું હેકો મનુભાઈએ કારણ વિના મને લાફા ઝીંકી મિત્રોને કીક મારતા પોલીસના આવા વર્તનથી મે પોલીસ કમિ.ને ફરિયાદ કરેલી પરંતું નિવેદનમાં એવી બોગસ વાત છે કે જે તે વખતે આવેશમાં આવીને મે આ મનુભાઈ પુજાભાઈના વિરુધ્ધમાં અરજી આપેલ પરંતું પાછળથી મને ખબર પડેલી કે પોલીસે ભોગ બનનારની ફરિયાદ લેતા પહેલા સારવાર કરાવવી વધારે જરૂરી છે હોય જેથી પહેલા યાદી સાથે દવાખાના મોકલેલ અને દાવાખાને ફરિયાદ લેવા પોલીસ આવશે તેમ જણાવ્યું. દવાખાને મારા મિત્રની પ્રાથમિક સારવાર આપી છુટા કરતા પછી મારા મિત્રો ફરિયાદ કરવા ગયેલા નહોંતા. મારે આ ફરિયાદ તો પાછી ખેંચવી નથી પરંતું નિવેદનમાં એવું લખ્યુ છે કે જે તે વખતે મે આવેશમાં આવીને મનુભાઈ વિરુધ્ધ પોલીસ કમિ. કચેરીમાં અરજી કરેલી પરંતું હવે હું આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવા માગતો નથી અને આ અરજી દબાણ કે લોભ લાલચ મારી રીતે પાછી ખેંચુ છું જેથી આ બાબતે કોઈ કાર્યવાહી નહી કરવા વિનંતી છે. મને પીઆઈ મકવાણાએ આ બાબતે સમાધાન કરવા માટે વિનંતી કરી હતી અને ભવિષ્યમાં મારુ કામ કાઢી આપવાની પણ લાલચ આપી સહી કરાવી લીધી છે પરંતું હું આવતીકાલે આ નિવેદનમાં ફેરફાર કરવા માટે જઈશ. હેકો મનુભાઈ પુજાભાઈ કમાઉ દિકરો હોઈ બચાવવાનો પ્રયાસ ?

છાણી પોલીસ મથકના હેકો મનુભાઈ પુજાભાઈને બચાવવા માટે પીઆઈને કેમ રસ છે તે અંગે હવે પોલીસ ખાતામાં એવી પણ ચર્ચા છે કે મનુભાઈ અગાઉ છાણીના વહીવટદારની કામગીરી સંભાળતા હતા. આ ઉપરાંત એક એવી પણ ચર્ચા છે કે પીઆઈ બદલાતા વહીવટ બીજાને સોંપાયો પરંતું છાણી પોલીસ મથકની હદમાં આવેલા બાજવા, છાણી બસ સ્ટેન્ડ અને જીએસએફસી બ્રિજ પાસે ગેરકાયદે પસેન્જરોની હેરફેર કરતા વાહનચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાની કામગીરી હેકો મનુભાઈને સોંપાઈ હતી અને તે દરમહિને વાહનચાલકો પાસેથી ૬૦થી ૭૦ હજારનું ભરણ ઉઘરાવતા હતા આમ તે કમાઉ દિકરાની ભુમિકામાં હોઈ તેને બચાવવા માટે કદાચ છાણી પીઆઈએ વિશેષ રસ દાખવ્યો હશે. જાેકે આ ચર્ચાને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.