વડોદરા : તા.૧લી એપ્રિલ, ર૦૧૯ના રોજ બેંગલુરુથી બાઈક પર ૭૩૭ દિવસ બાઈક પર દેશના પ્રવાસે નીકળેલા યુવાન ઉમેશ જાધવ આજે ૭૨ હજાર કિ.મી.ની યાત્રા પૂરી કરીને વડોદરા આવી પહોંચ્યા હતા. વીરશહીદ જવાનોના સન્માનમાં ૧ લાખ ર૦ હજાર કિ.મી.ની યાત્રાએ નીકળેલા બાઈક રાઈડર દેશના વિવિધ શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોના નિવાસસ્થાને જઈ તેમના આંગણાની માટી ભેગી કરીને આગળના પ્રવાસે જઈ રહ્યા છે. આ માટી તેઓ શ્રીનગર ખાતે રાષ્ટ્રીય મેમોરિયલ બની રહ્યું છે ત્યાં અર્પણ કરવામાં આવશે. બાઈક રાઈડર ઉમેશ જાધવે જણાવ્યું હતું કે, તેઓ તા.૧લી એપ્રિલ, ૨૦૧૯ના રોજ બેંગલુરુથી ૭૩૭ દિવસથી બાઈક યાત્રાએ નીકળ્યા છે. આજે વડોદરા ૭૨ હજાર કિ.મીની યાત્રા પૂરી કરીને પહોંચ્યા છે. તેમની યાત્રા ૧ એપ્રિલ, ર૦ર૧ના રોજ કચ્છ ખાતે પૂરી થશે. તેઓ અત્યાર સુધી પુલવામા, કારગિલ સહિત યુદ્ધમાં શહીદ થયેલા ૯૭ વીરશહીદ જવાનોના પરિવારને મળી ચૂકયા છે અને તેમના આંગણાની માટી એકઠી કરી છે. તેમણે આ યાત્રા સંપૂર્ણ બિનરાજકીય છે અને કોઈ એનજીઓ પણ સંકળાયું નથી. તેઓ પોતે જ સ્વખર્ચે આ યાત્રા કરી રહ્યા છે. આજે વડોદરામાં ગુજરાત મોટરસાઈકલ ક્લબ અને પૂર્વ મેયર ભરત ડાંગરે દેશના પ્રવાસે નીકળેલા બાઈક રાઈડર યુવાનનું સ્વાગત કર્યું હતું.