ગાંધીનગર, રાષ્ટ્રીય મતદાતા દિવસ તા.૨૫મી જાન્યુઆરીના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે એક સુવિધાના પગલાં રૂપે ડિજિટલ ફોર્મેટમાં ઇ-મતદાર ફોટો ઓળખપત્ર સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે. આ ઈ-ઈપીક કોમ્પ્યુટર અથવા મોબાઇલ દ્વારા ડાઉનલોડ કરીને તેને સાચવી શકાશે. આટલું જ નહી, તેને ડીજી લૉકરમાં અપલોડ પણ કરી શકાશે અને તેની પ્રિન્ટ કાઢીને લેમિનેટ કરી શકાય છે. આ ઈ-ઈપીક મતદારોને આપવામાં આવતાં પીવીસી-ઈ-ઈપીક ઉપરાંત વધારાની સુવિધા છે. જે મતદારની ઓળખના પુરાવા તરીકે ચૂંટણીના હેતુ માટે માન્ય રહેશે. મતદારો ઈ-ઈપીક ૧) વોટર હેલ્પીંગ મોબાઈલ એપ પરથી ડાઉનલોડ કરી શકશે.  

આ માટે એનવીએસપી/વોટર પોર્ટલ પર રજીસ્ટર/લોગઇન કરો ૨) ઈ૫ીઆઈસી નંબર અથવા ફોર્મ રેફરન્સ નંબર દાખલ કરો. ૩) રજીસ્ટર્ડ મોબાઇલ પર મળેલ ઓટીપી દાખલ કરો અથવા તો ઈ-ઈપીક ડાઉનલોડ કરો.મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૧ દરમિયાન યુનિક મોબાઇલ નંબર સાથે નવા નોંધાયેલા મતદાર એટલે કે મતદાર યાદીમાં ફક્ત એક જ મતદાર સાથે સંકળાયેલો હોય તેવો મોબાઇલ નંબર ધરાવતા હોય તેવા નવા નોંધાયેલા મતદાર તા.૨૫મી જાન્યુઆરીથી ઈ-ઈપીક ડાઉનલોડ કરી શકશે. જયારે તા. ૧લી ફ્રેબુઆરીથી યુનિક મોબાઇલ નંબર ધરાવનારા તમામ મતદારો ઈ-ઈપીક ડાઉનલોડ કરી શકશે. આ સિવાયના મતદારો ઈ-ઈપીક મેળવવા માટે સૌ પ્રથમ ઇ- કેવાયસી પ્રક્રિયા કર્યા બાદ ઈ-ઈપીક ડાઉનલોડ કરી શકશે. ડિજિટલ ફોર્મેટમાં ઈ-ઈપીક ( ઇ-મતદાર ફોટો ઓળખપત્ર) મેળવવાની આ વધારાની અને વધુ ઝડપી સુવિધાનો લાભ લેવા મતદારોને અનુરોધ કરવામાં આવ્યો છે.