વડોદરા, તા.૬ 

રાજ્યના પોલીસવડાની સૂચનાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરતી અને વડોદરા પોલીસ માટે શરમજનક કહેવાતી હપ્તાખોરીની વીડિયો ક્લિપના કારણે પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. ચોંકી ઊઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ખાનગી રાહે તપાસના આદેશ આપ્યા છે. બાપોદ ઉપરાંત એસઓજી, ડીસીબીના જવાનો પણ વીડિયો ક્લિપમાં બૂટલેગર પાસેથી રૂપિયા ઉઘરાવતાં નજરે પડે છે ત્યારે કૌભાંડનું કેન્દ્ર બનેલા આ દારૂના અડ્ડા ઉપર કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર પાંચ દિવસ ધંધો બંધ રાખવાની સૂચના આપી છે. ‘લોકસત્તા-જનસત્તા’ની ટીમ આજે સ્થળ ઉપર પહોંચતાં આ ખુલાસો થયો છે.

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓ ઉપર ભારે અવરજવર રહેતી હતી અને ધંધો એટલો મોટો હતો કે બાપોદ પોલીસ મથકના ૧૫ જેટલા પોલીસ કર્મચારીઓ અને ડીસીબી તેમજ એસઓજીના જવાનો મળી ૨૫ ઉપરાંત પોલીસ જવાનો હપ્તા ઉઘરાવવા મહિલા બૂટલેગર પાસે આવતા હતા. મહત્વની વાત તો એ છે કે આ હપ્તા ઉઘરાવવા માટે બાપોદ પીઆઈની ગાડી નંબર : જીજે ૦૬ જીએ ૨૯૬૩ આવતી હતી, એ ગાડી અંગે ‘લોકસત્તા-જનસત્તા’એ બાપોદ પોલીસ મથકે જઈ ખાતરી કરી હતી. આ ઉપરાંત પોલીસ જવાનોને અપાતી સફેદ કલરની બાઈકનો પણ હપ્તા ઉઘરાવવા માટે ઉપયોગ કરાતો હતો.

‘લોકસત્તા-જનસત્તા’ની ટીમ આજે વીડિયો ક્લિપમાં દર્શાવાયેલ સ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં મહિલા બૂટલેગરને પૂછતાં એને પ્રેસવાળાએ વીડિયો વાયરલ કર્યો હોવાથી પાંચ દિવસ ધંધો બંધ હોવાનું જણાવી પાંચ દિવસ પછી દારૂ લેવા આવજા એમ જણાવ્યું હતું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તસવીરો સાથેનો અહેવાલ અને વીડિયો ક્લિપના પુરાવા સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆતનો ઉલ્લેખ હોવા છતાં નફ્ફટ બાપોદ પોલીસે દારૂના અડ્ડા સામે કાર્યવાહી કરવાને બદલે માત્ર પાંચ દિવસ ધંધો બંધ રાખવા માટે બૂટલેગરને જણાવ્યું હતું.

બીજી તરફ તસવીરોના આધારે આ શૂટિંગ ક્યાંથી થયું એની શોધખોળ બૂટલેગરો અને પીઠબળ પૂરું પાડનાર ભરવાડોએ શરૂ કરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું છે. અખબારી અહેવાલના પગલે પોલીસ મથકોમાં આજે સવારથી જ ‘લોકસત્તા-જનસત્તા’ની ચર્ચાઓ શરૂ થઈ હતી અને કોની કોની ઉપર હવે તવાઈ આવશે એની પૃચ્છા કરી કોણ કોણ હપ્તા લેવા માટે ‘ચકુ’ના અડ્ડા ઉપર જાય છે એની પરસ્પર પૂછપરછ શરૂ કરી હતી. શહેરના જાગૃત નાગરિક દ્વારા સતત ત્રણ દિવસ સુધી અડ્ડાની સામે છુપાઈને વીડિયો શૂટિંગ કરાયું હતું, જેમાં બાપોદ ઉપરાંત ડીસીબી અને એસઓજીના પોલીસ જવાનો સામેલ છે. આની ૩૫ જેટલી વીડિયો ક્લિપ છે એની આખી સીડી તૈયાર કરી ઉચ્ચકક્ષાએ પહોંચાડવામાં આવશે.

દેશી દારૂનું વેચાણ ૫ાંચ દિવસ પછી શરૂ થઈ જશે : ચકુ

‘લોકસત્તા-જનસત્તા’ની ટીમ આજે ખોડિયારનગર ખાતે ચકુના અડ્ડા ઉપર પહોંચી હતી ત્યારે અડ્ડો ખૂલ્લો જાઈ અંદર પ્રવેશતાં જ મહિલા બૂટલેગરે અમારા ધંધાનો વીડિયો વાયરલ થયો હોવાથી પોલીસે પૈસા લીધા હોવા છતાં દારૂનું વેચાણ પાંચ દિવસ બંધ રાખવા જણાવ્યું છે. જા વેચશો તો અમારી નોકરી જશે એમ જણાવ્યું હોવાથી પાંચ દિવસ પછી પુનઃ દારૂનું વેચાણ શરૂ થઈ જશે એમ જણાવ્યું હતું. ચકુ સાથેની આ આખી વાતચીતનો વીડિયો પણ ‘લોકસત્તા-જનસત્તા’ પાસે મોજુદ છે.

બાપોદ પોલીસની આ રહી જીપ જીજે ૦૬ જીએ ૨૯૬૩

બાપોદ પીઆઈની જ ગાડી હપ્તા લેવા માટે ગઈ હતી કે નહીં એની ખાતરી કરવા ‘લોકસત્તા-જનસત્તા’ની ટીમ આજે બાપોદ પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં સામાન્ય દિવસોમાં ભરચક રહેતું પોલીસ મથક ખાલીખમ જણાયું હતું અને કંપાઉન્ડમાં વીડિયો ક્લિપમાં દેખાયેલી પીઆઈની બોલેરો જીપ નંબર : જીજે ૦૬ જીએ ૨૯૬૩ પડેલી હતી, એની તસવીરો લેતાં સમયે ડ્રાઈવર ગાડીમાંથી ઊતરી પોલીસ મથકમાં છુપાઈ ગયો હતો.

મહિલા બૂટલેગરે રૂપિયા આપવાનો ઈનકાર કરતાં પોલીસ જવાને તેની જાડે જીભાજાડી કરી : અંતે વહીવટદારને ફોન જાડી મામલો પતાવ્યો

હપ્તા લેવા આવનાર એક પોલીસ જવાનને મહિલા બૂટલેગરે રૂપિયા આપવાનો ઈનકાર કરતાં નિર્લજ્જ બનેલા પોલીસ કર્મચારીએ પોતાના મોબાઈલથી કોઈ વહીવટદારને ફોન જાડયો હતો અને જાહેર માર્ગ ઉપર ઊભા ઊભા બૂટલેગર જાડે જીભાજાડી કરી હોવાનું વીડિયો શૂટિંગમાં સ્પષ્ટ નજરે પડે છે. આ લાંચિયા જવાને ફોન લગાવી બૂટલેગરને વાત કરવા જણાવ્યું હતું. સામે છેડેથી એ પોલીસ કર્મચારી જ હોવાથી રૂપિયા આપવા પડશે એમ જણાવતાં કચવાતા મને અંતે મહિલા બૂટલેગર રૂપિયા કાઢી પોલીસ જવાનને ધરે છે, જે લઈ પોલીસ કર્મચારી બાઈક ઉપર રવાના થાય છે. આવા શરમજનક દૃશ્યો પણ જાગૃત નાગરિકની વીડિયો ક્લિપ સામેલ છે.