વડોદરા : ભારે વિવાદમાં આવેલા અર્થ યુફોરિયાના મામલામાં રિયલ ટાઉન હબ અને બિલ્ડર્સ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટ, લેન્ડ ગેમ્બલર, ભૂમાફિયા અને અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ લેખિત રજૂઆતમાં કરાઈ હતી. જાે કે, લેખિતમાં કોઈનંુ પણ નામ અપાયુંનથી.

પોલીસ ભવન ખાતે પહોંચેલા બિલ્ડિંગ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલાઓના પ્રતિનિધિમંડળે પોલીસ કમિશનરને મળી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીના પ્રણેતા વડાપ્રધાનના સપનાઓમાં અડચણરૂપ થતા બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટો, ભૂમાફિયા અને અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી લેખિતમાં માગ કરી હતી.

શહેરના કોઈપણ ડેવલોપર્સને પોતાની સ્કીમનું આયોજન કરી વ્યવસાય કરવો હોય તો આવા બની બેઠેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા બિલ્ડરોને વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે. આવા તત્ત્વો બિલ્ડરોને ધમકાવી ખંડણી પણ માગતા હોય છે અને નાણાંની માગણીઓ અવારનવાર જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કરાવે છે. શહેર અને રાજ્યના વિકાસને અવરોધતા આ તત્ત્વો આરટીઆઈ એક્ટિવિસ્ટને શોધી કાઢી દંડનીય અને કડક કાર્યવાહી થશે તો જ બીજા બિલ્ડરોને હેરાન કરી નાણાંની માગણી ના કરે. જાે આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી નહીં થાય તો શહેરનો વિકાસ અટકી જશે અને બિલ્ડરો અહીં બાંધકામનો વ્યવસાય પડતો મૂકી અન્ય શહેરો તરફ વળશે એમ લેખિત રજૂઆતમાં ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે.