વડોદરા, તા.૪  

વડોદરા શહેરના એરપોર્ટથી ખોડિયાર નગર તરફ જતા માર્ગનું નવ કરોડના જંગી ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ગ બનાવે માંડ માંડ ત્રણેક માસનો સમય થયો છે. ત્યાં જ આ માર્ગને તોડીને -ખોદીને ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે. જેને લઈને પાલિકાએ માર્ગ બનાવવાને માટે કરેલ નવ કરોડનો ખર્ચો માથે પડ્યો છે. પાલિકાના વિવિધ વિભાગોના સંકલનના અભાવે આ વધારાનો ખર્ચો પાલિકાની તિજાેરી પર બોજ બની ગયો છે. જાેકે એવી પણ ચર્ચા છે કે પાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતાના નજીકના સંબંધીએ બનાવેઓલા હલકી ગુણવત્તાના માર્ગની કામગીરીની પોળ ખુલે એ પહેલા જ ઇજારદારને ગેરંટીની જવાબદારીમાંથી મુક્ત કરવાને માટે અને કૌભાંડ પર ઢાંકપિછોડો કરીને તમામને બચાવવાને માટે ડ્રેનેજની કામગીરી પાછળથી કઢાયાંનો ખેલ ખેલાયો છે. એમાં સત્ય કેટલું એતો પૂર્વ નેતાઓ, ઇજારદાર અને અધિકારી જાણે. પરંતુ આ ચર્ચામાં દમ હોવાનું આંતરિક સૂત્રોમાં ચર્ચાય છે. આ કૌભાંડને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ પણ શંકા સેવીને એની સામે આકરી ટીકાઓ કરી છે. તેઓના મત અનુસાર વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ ભાજપના શાસકોના નેતાઓની સાઠગાંઠવાળા અને સગાંવાદના ધોરણે કરાયેલા કરોડોના હલકી ગુણવત્તાના કામો પર ઢાંક પીછોડો કરવાને માટે ખુદ તંત્રના અધિકારીઓ પણ તલપાપડ થઇ રહ્યા છે. પાલિકાના પૂર્વ નેતાઓ, ઇજારદારો અને અધિકારીઓની મિલીભગતને લઈને આચરાયેલા કરોડોના કૌભાંડોમાં સૌથી વધુ રોડ બનાવવાના કામોમાં કૌભાંડો આચરવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે. પાલિકાના વિપક્ષ દ્વારા પણ આ બાબતે વખતોવખત અવાજ ઉઠાવીને શંકાની સોય સત્તાધારી પક્ષના નેતા તરફ તાકવામાં આવી હતી.જેને લઈને પૂર્વ શાસકો અને તેઓના નેતાઓ દ્વારા પાલિકાની તિજાેરી પર દલા તરવાડી જેવો વહીવટ કરીને તળિયા ઝાટક કરી દેવામાં આવ્યાના આક્ષેપો થયા હતા. તેમ છતાં શાસકોના જાડી ચામડીના નેતાઓના પેટનું પાણી હાલ્યું નહોતું. પાલિકામાં વારંવાર સભાઓમાં વિવિધ વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં આવેલા કમિશ્નરોએ પણ આ બાબતે ટકોર કરી હતી. પરંતુ પાલિકાના રીઢા અધિકારીઓએ એની સતત અવગણના કરી હતી.