ગાંધીનગર-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગર રેલવે સ્ટેશન અને હોટલનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ કેન્દ્રીયપ્રધાન અશ્વિન વૈષ્ણવ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી જેમાં અમદાવાદ રાજકોટ વચ્ચે નવો રૂટ અને ટ્રેક આખરી તબક્કાની મંજૂરીમાં હોવાના સંકેત આપવામાં આવ્યાં છે. જ્યારે અમદાવાદ રાજકોટ વચ્ચે શરૂ થનારા નવા રેલવે ટ્રેક અને નવી ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તેવી પણ બાહેંધરી કેન્દ્રીય પ્રધાન અશ્વિન વૈષ્ણવે આપી હતી. ગાંધીનગર રેલવે સ્ટેશનના કાર્યક્રમ બાદ સીએમ વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિન વૈષ્ણવની બેઠક યોજાઇ હતી. અમદાવાદ-રાજકોટ વચ્ચેનું 225 કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલની 220 કિમી પ્રતિકલાકની ઝડપના પરિણામે બે કલાકથી પણ ઓછા સમયમાં પૂંરૂ થશે. આ પ્રોજેક્ટના DPR વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને ભારત સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યાં છે તે પણ નિર્ણાયક આખરી તબક્કામાં છે. સીએમ વિજય રૂપાણીએ ફાટકમુક્ત ગુજરાતનો જે સંકલ્પ કર્યો છે અને રાજ્યના શહેરો, નગરોમાં રેલવે ફાટકને પરિણામે ટ્રાફિક સમસ્યા, ઇંધણ અને સમયનો જે વ્યય થાય છે તે દૂર થાય. તેમ જ લોકોને ઇઝ ઓફ લિવિંગ-ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે તેવો આ પ્રોજેક્ટનો મૂળ હેતુ છે.