દિલ્હી-

પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરીને ભારતમાં પ્રવેશતા પકડાયેલા ચીનના નાગરિક હાન જૂનવેના બચાવમાં ચીનની સરકાર ઉતરી છે. ચીનના નાગરિક સામેના આરોપો અંગે ચીનનુ કહેવુ છે કે, તે જાસૂસ નથી અને તેની સાથે ભારતે આંતરાષ્ટ્રિય સ્તરે થયેલી વિએના સમજૂતી પ્રમાણે વ્યવહાર કરીને તેને સુરક્ષા આપવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે, હાન જૂનવે પાસેના લેપટોપ અને આઈફોનની તપાસ કરતા એવી જાણકારી મળી છે કે, જૂનવે ૧૩૦૦ જેટલા ભારતીય સીમકાર્ડ ચીન મોકલી ચુકયો છે અને તે સતત ચીનને ભારત અંગે સૂચનાઓ પણ આપી રહ્યો હતો. આ સિવાય પણ બીજા કેટલાક ખુલાસા થયા છે. હાલમાં તે પશ્ચિમ બંગાળ પોલીસના કબ્જામાં છે.

ભારત સ્થિત ચીનના દૂતાવાસે હાન જૂનવેને જાસૂસ કહેવા સામે વાંધો ઉઠાવ્યો છે અને ભારતીય જાસૂસી સંસ્થાઓને મોટી સફળતા મળી હોવાની વાત સામે પણ નારાજકી વ્યક્ત કરીને કહ્યુ છે કે, આ મામલામાં મીડિયાની ભૂમિકા પણ યોગ્ય નથી. ભારતે અમારા નાગરિક સાથે વિએના કન્વેન્શન પ્રમાણે વ્યવહાર કરવો જાેઈએ. પોલીસ સૂત્રોએ કહ્યુ હતુ કે, પકડાયેલો ચીની નાગરિક ઘણી જાણકારી છુપાવી રહ્યો છે. આ માટે હવે દુભાષિયાની મદદ લેવામાં આવશે અને તેની મદદથી ચીની ભાષામાં પૂછપરછ કરવામાં આવશે. તે પોતાના લેપટોપનો પાસવર્ડ પણ આપી રહ્યો નથી. હાન જૂનવે દિલ્હી પાસે એક રિસોર્ટ ચલાવતો હોવાની જાણકારી પણ પોલીસને તેના પકડાયા બાદ મળી હતી.