મુંબઇ

ઘણીવાર નાની ઉંમરના બાળકો ભવિષ્યમાં શું બનવું છે તે અંગે મૂંઝવણ અનુભવતા હોય છે. જોકે, રાજકોટની ક્રિસ્ટિનાએ 10 વર્ષની ઉંમરમાં નક્કી કરીને રાખ્યું હતું કે તેને શું બનવું છે. તેણે નાની ઉંમરમાં જ સ્ટાર બનવાનું વિચારીને રાખ્યું હતું.


વર્ષ 2001માં ઉપલેટા, રાજકોટમાં જન્મેલી ક્રિસ્ટિનાએ 2011માં પરિવારને મુંબઈ જવાની વાત કરી હતી. નાનકડી ક્રિસ્ટિનાની વાત પરિવારે માની લીધી હતી. ક્રિસ્ટિનાએ મુંબઈ આવીને એકતા કપૂર દ્વારા સંચાલિત બાલાજી ICE એક્ટિંગ એન્ડ ફિલ્મ મેકિંગ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું. અહીં કેમેરાની સામે કામ કરવાને કારણે ક્રિસ્ટિનાના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.


ક્રિસ્ટિનાએ જાહેરાતો તથા કેટલીક સિરિયલના એકાદ-બે એપિસોડમાં કામ કર્યું હતું. ત્યારબાદ તે શશી સુમિત મિત્તલની સિરિયલ 'યે ઉન દિનો કી બાત હૈ'માં સ્વાતિના રોલમાં જોવા મળી હતી. આ રોલથી ક્રિસ્ટિના ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી.

ક્રિસ્ટિના હવે એકતા કપૂરની સિરિયલ 'કુછ તો હૈઃ નાગિન ઈક નયે રંગ મેં'માં મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ સિરિયલમાં ક્રિસ્ટિનાએ સૌમ્યા સિંઘાનિયાનો રોલ ભજવ્યો છે. સિરિયલના લીડ એક્ટર હર્ષ રાજપૂતની બહેનના રોલમાં છે. હર્ષ રાજપૂતે સિરિયલમાં રેહાન સિંઘાનિયાનું પાત્ર ભજવ્યું છે.

હાલમાં ક્રિસ્ટિના B.comનો અભ્યાસ કરે છે. રાજકોટ તથા મુંબઈમાં સમય પસાર કરે છે. ક્રિસ્ટિના ફિટનેસ અંગે ઘણી જ સજાગ છે. તે સો.મીડિયામાં અવારનવાર ફિટનેસ અંગેના વીડિયો શૅર કરતી રહેતી હોય છે. ક્રિસ્ટિનાને ભવિષ્યમાં ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરવો છે. તેને ફેશન ડિઝાઈનિંગનો શોખ છે અને તે આમાં આગળ પણ વધવા માગે છે.