દિલ્હી-

સુપ્રીમે કૃષિ કાનૂનો બાબતે સરકાર અને ખેડૂત આંદોલનના નેતાઓ વચ્ચે પડેલી મડાગાંઠ ઉકેલવાની જવાબદારી જે કમિટિ પર નાંખી છે એણે ભેજું કસીને સોશ્યલ મિડિયા પર એક પોર્ટલ બનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતોની ફરિયાદ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટે જેની રચના કરી છે એવી ચાર સભ્યોની કમિટિએ મંગળવારે બેઠક કર્યા બાદ નક્કી કર્યું હતું કે તે એક એવું પોર્ટલ બનાવશે જેના પર ખેડૂતોના સંગઠનો તો ઠીક વ્યક્તિગત રીતે દરેક ખેડૂત પણ પોતાનો મત વ્યક્ત કરી શકશે. કમિટિએ આ માટેના પોર્ટલની મંગળવારે જાહેરાત કરી હતી. જો કે આ પ્રસ્તાવને ખેડૂતોનો મોળો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાય છે. 

સમિતિએ નક્કી કર્યું છે કે, ગુરુવારે એ આખો દિવસ ખેડૂતોના હિતમાં થનારી રજૂઆતો સાંભળવામાં કાઢશે. આ દિવસે ઓછામાં ઓછા 20 ખેડૂત સંગઠનોને તે સાંભળશે એમ કમિટિએ જાહેર કર્યું છે. કમિટિએ પોતાના બે માસના કાર્યક્રમની જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન તે કૃષિ કાનૂન તરફી અને વિરોધી એમ બંને તરફી વિચારો સાંભળશે. ઉપરાંત ખેડૂત સંગઠનો અને રાજ્ય સરકારોનો મત પણ લેશે.