ભરૂચ, તા.૧૭ 

ભરૂચ જીલ્લા ની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ શુભલક્ષ્મી કંપની માં કામ કરી રહેલા પરપ્રાંતીય યુવકે ફેસબુક ઉપર બંધારણના ઘડવૈયા ડાૅ.બાબાસાહેબ આંબેડકર ને અભદ્ર ગાળો લખી સોશયલ મીડિયા ઉપર વાયરલ કરતા દલિત સમાજમાં રોષ ઉભો થયો છે. સંગઠનો દ્વારા આ સંદર્ભે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવા છતાં ફરિયાદ દાખલ કરવામાં ન આવતા દલિતોએ રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ભરૂચ જિલ્લા કલેકટરને ફરીયાદ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને દહેજની શુભલક્ષ્મી કંપનીમાં નોકરી કરતા પર પ્રાંતિય અનુપ શુક્લાએ યુ.પી.ના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેના એન્કાઉન્ટર બાબતે એક પોસ્ટ ફેસબુક ઉપર પ્રકાશિત કરી હતી. જેમાં અનુપ શુક્લાએ કોમેન્ટ બોક્ષમાં આંબેડકરજીને સંવિધાન લખવા બદલ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સંવિધાનના રચયિતા એવા ડાૅ.બાબાસાહેબ આંબેડકર વિષે અભદ્ર શબ્દો સોસિયલ મિડિયામાં ફરતા કરી વૈમનસ્ય ફેલાવનાર સામે દલિત સમાજ સહિત લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. દલિત સંગઠનો દ્વારા ડો. આંબેડકર વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર અનુપ શુક્લા સામે ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસીટી તથા ૫૦૪, ૧૫૩ (એ) સહિતની કલમો મુજબ કેસ નોંધાવી કાયદેસરની કાર્યવાહી રજુઆત કરવામાં આવી હતી. જોકે એક મહિના ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા અનુપ શુકલા વિરૂધ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગરમાયેલા દલિતોએ સોમવારના રોજ રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના નેજા હેઠળ એડવોકેટ છગનભાઈ ગોડીગજબારની આગેવાનીમાં ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ડો. આંબેડકરને માટે અભદ્ર ભાષા પ્રયોજનાર અનુપ શુક્લા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.