વડોદરા, તા. ૮

કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા પાસે આવેલી રાણા પંચના ટ્રસ્ટની જમીન પર ગેરકાયદે દબાણ કરનાર નામચીન બુટલેગર હુસેનમીયા સુન્ની અને તેના ભાઈઓ સહિતના ટોળાએ રાણા પંચના પ્રમુખને ધક્કો મારી ધમકી આપતા ઉશ્કેરાટ ફેલાયો હતો. આ બનાવની કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે હુસેનમીયા સુન્ની સહિતના ટોળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નવીધરતી રાણાવાસમાં રહેતા નટવરભાઈ રાણા શ્રી નવીધરતી રાણા પંચમાં પ્રમુખ તરીકે સેવા આપે છે. કારેલીબાગના કાસમઆલા કબ્રસ્તાન પાસે બાળ રિમાન્ડ હોમની પાછળના ભાગે તેમના રાણા પંચના ટ્રસ્ટની આશરે ૭૫ હજાર ચોરસફુટ જગ્યા આવેલી છે. આ જગ્યા પર કુખ્યાત બુટલેગર હુસેનમીયા સુન્નીએ હોટલ અને ગેરેજ બાંધીને ગેરકાયદે દબાણ કર્યું હોઈ આજે કોર્પોરેશનની ટીમ દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીની જાણ થતાં નટવરભાઈ રાણા પંચના અન્ય સભ્યો સાથે ત્યાં દોડી ગયા હતા. દરમિયાન તેઓને જાેતા જ કારેલીબાગનો નામચીન અને માથાભારે બુટલેગર હુસેન કાદરમીયા સુન્ની તેમજ તેના ભાઈઓ અકબર, સિકંદર અને હસન સહિતના ટોળાએ ઉશ્કેરાઈને નટવરભાઈને પુછ્યું હતું કે તમે અમારા વિરુધ્ધ કેમ વીએમસીમાં અરજી કરી છે? તેઓને સમજાવવાનો પ્રયાસ કરતા હુસેન સુન્ની સહિતના ટોળાએ પંચના પ્રમુખને ધક્કો માર્યો હતો અને પ્રમુખ- સભ્યોને અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપી હતી. આ બનાવની નટવરભાઈની ફરિયાદના પગલે પોલીસે હુસેન સુન્ની અને તેના ભાઈઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.