વડોદરા, તા.૧૪

શહેરમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. એકપણ દર્દીની સારવાર માટે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે બેડ નથી, ઈન્જેકશનો નથી, ઓક્સિજનની અછત છે. કોરોનાની મહામારીના ભાગરૂપે નાગરિકોને સારવારના હક્ક છતાં તમામ સેવાઓ ઠપ થઈ ગઈ છે એવી વિગ્તો સાથેનો પત્ર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતે લખી અપીલ કરી છે કે તા.૧૫મીના ગુરુવારે યોજાયેલી સુનાવણી દરમિયાન પત્રની વિગતો ધ્યાનમાં લેવાય, આ ઉપરાંત મુખ્યમંત્રીને પણ લખી વડોદરાની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે.નરેન્દ્ર રાવત દ્વારા પત્ર લખી મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથને જણાવાયું છે કે ગુરુવારે યોજાનારી સુનાવણીમાં આ ઐતિહાસિક મહામારીમાં રાજ્ય સરકારને તાકાદે ગંભીરતાપૂર્વક ઈમરજન્સીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા આદેશ આપી ગુજરાતની પ્રજાને બચાવવા માટે વિનંતી કરી છે. આ પત્રમાં મંગળવારે પોતાને કોરોનામાં શ્વાસની તકલીફ થતાં બેભાન બન્યા બાદ ૧૦૮ એમ્બયુલન્સને બોલાવી હતી ત્યારે ૧૦૮વાળાએ કહ્યું હતું કે, હોસ્પિટલના જગ્યા નથી, અમને સરકારે ના પાડી છે. દર્દીના સગાંએ અમને ફોન કરતાં અમે સત્તાવાળાઓને જાણ કરી હતી પરંતુ સમય બરબાદ થતાં અંતે દર્દીનું મોત નીપજ્યું હતું. મેડિકલ સુવિધાઓના અભાવે ટપોટપ મોત થાય છે. સ્મશાનોમાં અંતિમવિધિ માટે ર૪ કલાકનું વેઈટિંગ છે. શહેરમાં દરરોજ પાંચ હજાર કેસનો ઉમેરો થાય છે. સરકારી આંકડા પ૦૦ પણ બતાવતા નથી. રપ હજાર કોરોનાના દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. રાવતે મુખ્ય ન્યાયમૂર્તિને લખેલા પત્રમાં ઘટસ્ફોટ કરતાં જણાવ્યું છે કે સરકારી હોસ્પિટલ તેમજ કલેકટર સહિતના જવાબદાર અધિકારીઓ મજબૂર છે. સરકારને ગુપ્તરાહે વાત કરી ચૂકયા છે કે હવે સુવિધાઓ નથી. મેડિકલ સિસ્ટમ તૂટી ગઈ છે અને દર્દીઓના મોત થઈ રહ્યા છે.