વડોદરા, તા. ૨૦

હરણી લેક ઝોનના હોડી કાંડમાં પોલીસે ૪૮ કલાક બાદ આરોપીઓના લિસ્ટમાં બે નામનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં લેક ઝોનના મુખ્ય કર્તાહર્તા પરેશ શાહનો પણ સમાવેશ કર્યો છે. લોકસત્તા જનસત્તાએ પરેશ શાહને ઘટના બની ત્યારે ફોન કર્યો હતો તમને સ્વીકાર્યું હતું કે, હાં ઘટના મારે ત્યાં જ બની છે. ૨૦થી ૨૫ વ્યક્તિ ડૂબ્યાં છે. જાેકે, આજે પોલીસે આરોપી તરીકે પરેશ શાહનું નામ હવે એફઆઇઆરમાં ઉમેર્યું છે. ત્યારે મૂળ છીકણીના વેપારીનો દીકરો પરેશ શાહ કરોડનો આસામી કેવી રીતે બન્યો તે પ્રશ્ન બધાને જ ઉભો થઇ રહ્યો છે.

પરેશ શાહના પિતા અંબાલાલ અફીણવાળા પાદરમાં અફીણવાળા ખાંચામાં રહેતા હતા. તેઓ પાદરાના ચોક્સી બજારમાં છીકણીનો વેપાર કરતા હતા. સાવલીના જીા વગદાર વ્યક્તિ કે જે ધારાસભ્યના પણ નજીકના છે તેમનો પરેશ શાહ જમાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મૂળ પાદરથી વડોદરા આવ્યા બાદ પરેશ શાહે અનેક વેપાર કર્યા. એટલું જ નહીં અનેક રાજકીય અગ્રણીઓ સાથે પણ પરેશ શાહ ધરોબો ધરાવે છે. ભૂતકાળમાં ઇલેક્ટ્રિકનો વેપાર કરતા પરેશ શાહના લગ્ન થયા બાદ જેકપોટ લાગ્યો હતો. જે બાદ મૂળ છીકણીનો વેપારી કરોડોનો આસામી બની ગયા હતો.

વડોદરામાં હાલ હરણી રોડ પર એક ખાનગી કંપનીનો પેટ્રોલ પંપ ચલાવે છે. જેની સામે જ લેક ઝોનમાં તેને રોકાણ કર્યું અને પછી તેનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લીધો હતો. જાેકે, મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા જ પરેશ શાહે ગધેડા માર્કેટ વિસ્તારમાં વધુ એક પેટ્રોલ પંપ શરૂ કર્યો છે. તે ઉપરાંત હરણી વિસ્તારમાં રહેતા કોર્પોરેશનના એક પૂર્વ હોદ્દેદાર સાથે પણ તેનો ઘરોબો છે અને વેપારમાં ભાગીદારી પણ છે.

પરેશ શાહ પેટ્રોલ પપંના વેપાર ઉપરાંત મૂળ લાઈઝનિંગનો વેપાર કરે છે. રાજકીય પક્ષ સાથે લાઇઝનિંગ કરવામાં પાવરધો પરેશ શાહ તેની આવડતનો જ લાભ ઉઠાવી હરણી લેક ઝોનનો કોન્ટ્રાકટ મેળવનાર કોટીયા પ્રોજેક્ટ્‌સમાં ભાગીદાર બન્યો હતો. જે બાગીદારી થયાં બાદ ધીમે ધીમે તેને સમગ્ર પ્રોજેક્ટ પોતાના હાથમાં લઇ લીધો અને રૂપિયા કમાવવા માટે લેક ઝોનને જ હાથો બનાવ્યો હતો.

પરેશ શાહ પરિવાર સાથે શ્રીનાથજી કે કાંકરોલીમાં?

હરણી લેક ઝોનની ઘટનાની જાણ થતાંની સાથે જ પરેશ શાહ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ બચાવ કામગીરી સમયે પણ તે ત્યાં જ હતો. જાેકે, એફઆઈઆર થવાની માહિતી મળતાં જ પરેશ શાહ તેનાં પરિવારને લઇ ઘરે ખંભાતી તાળા મારી ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા પરેશ શાહ, પત્ની, દીકરો અને દીકરીની શોધખોળ કરવા માટે નવ જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. ત્યારે પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પરેશ શાહ વડોદરા જિલ્લામાં જ કોઈ સગાને ત્યાં અથવા તો શ્રીનાથજી કે કાંકરોલીમાં સંતાયો છે. પોલીસ દ્વારા પરેશ અને પરિવારને શોધવા માટે ટીમ તે દિશામાં પણ દોડાવી હોવાનું જાણવા મળે છે.



‘લોકસત્તા જનસત્તા’એ પરેશ શાહ આરોપી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો

હરણી લેક ઝોનમાં હોડી પલ્ટી જવાની ઘટના ૧૮મી જાન્યુઆરીના રોજ બની હતી. અંદાજે ૪.૩૦ કલાકે ઘટના બન્યા બાદ લોકસત્તા જનસ્તના પત્રકાર દ્વારા પરેશ શાહને ફોન કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, હા ઘટના મારે ત્યાં જ બની છે. જે ફોન કોલના રેકોર્ડિંગ સાથે લોકસત્તા જનસત્તાએ જ સૌથી પહેલા ઘટસ્ફોટ કર્યો હતો કે, આ ઘટનામાં મૂળ આરઓપી પરેશ શાહ જ છે. જે ઘટસ્ફોટની આજે પોલીસ દ્વારા પર પુષ્ટિ કરી ફરિયાદમાં પરેશ શાહનું નામ ઉમેરવામાં આવ્યું છે.

વીવાયઓ વડોદરાના પ્રમુખની પણ જવાબદારી

પૂષ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય પ્રેરિત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનમાં જાેડાયા બાદ ધાર્મિક કાર્યક્રોમોમાં આગળ પડતો ભાગ ભજવતો પરેશ શાહ આજે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના વડોદરાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છે. વિવાયઓ આયોજિત અનેક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ આગળ પડતા હોય છે. તેમના આ ધાર્મિક ચહેરાનો જ ઉપયોગ કરી તેઓ રાજકીય પક્ષ સાથેના લાઇઝનીંગમાં ખુબ આગળ વધ્યો છે.