વડોદરા

એક માસ અગાઉ શહેરના પાણીગેટ બાવચાવાડ વેરાઈ માતાના ટેકરા પરના મકાનના છતના હૂક ઉપર ચુંદડીમાં પ્લાસ્ટિકના ડબ્બામાં મુકેલ બે લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. ત્રણેય શખ્સોએ ચોરી કર્યા બાદ સોનાને ઓગાળી કાઢેલ બે લગડીઓ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસસૂત્રોમાંથી મળતી વિગત અનુસાર વેરાઈ માતાના ટેકરા બાવચાવાડ પાણીગેટના મકાનમાં જયેશભાઈ કનૈયાલાલ કહાર ગત તા.૧૦મીના રોજ પરિવાર સહ રાજપીપળા સામાજિક પ્રસંગમાં ગયા હતા, તે સમયે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી જેમાં સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ત્યાર બાદ ઉત્તરાયણના તહેવારે દાગીના પહેરવા સોનાની તપાસ કરતાં દાગીના જણાઈ આવ્યા ન હતા, જેથી કોઈ જાણભેદુ શખ્સો ચોરી કરી ગયા હોવાની શંકાએ પાણીગેટ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ડીસીબી ક્રાઈમ પણ જાેડાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે રૂા.ર લાખના દાગીનાની ચોરી કરનાર સાગર કૈલાસ વાઘેલા (રહે. કહાર મહોલ્લો), સચિન ઉર્ફે સન્ની દીપક પરમાર (રહે. ભોઈવાડા) અને હીરાલાલ ઉર્ફે લાલા મનહરલાલ કહારની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ચોરી કરેલ દાગીના ઓગાળીને બનાવેલ લગડીઓ પોલીસે કબજે કરી હતી. પોલીસે ઝડપી પાડેલ ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.