વડોદરા : દુષ્કર્મ કેસનો આરોપી અને પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટના વધારાના રિમાન્ડ આજે પૂરા થતાં ક્રાઇમ બ્રાંચે તેને અદાલતમાં રજૂ કરતાં અત્રેની અદાલતે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

શહેરના દિવાળી-

પુરા વિસ્તારમાં આવેલા

પીડિતાના ફ્લેટમાં જઇ દુષ્કર્મ આચરવાના ચકચારભર્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપી રાજુ ઉર્ફે હેમંત ભટ્ટની ક્રાઇમ બ્રાંચે જૂનાગઢ ખાતેથી ધરપકડ કરાયા બાદ પોલીસે તેની પાસે બનાવના સ્થળોનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપી રાજુ ભટ્ટ પાસેથી પોલીસે મોબાઇલ ફોન, કાર સહિતના પુરાવા કબજે કર્યા હતા. તેના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરીને વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે કાનજી મોકરિયા અને અશોક જૈન સહિતના વિવિધ મુદ્દાઓ સંદર્ભે આરોપી રાજુ ભટ્ટની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાનમાં આરોપી રાજુ ભટ્ટના રિમાન્ડ આજે પૂરા થતાં ક્રાઇમ બ્રાંચે તેને કોર્ટમાં રજૂ કરતાં અત્રેની અદાલતે આરોપી રાજુ ઉર્ફે હેમંત ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.