વડોદરા, તા.૧૧ 

ગેસ સિલિન્ડરમાંથી ગેસચોરી કરવાના વિવાદમાં ફરી એકવાર આવેલ સયાજીગંજના ધારાસભ્ય જિતુ સુખડિયાના પુત્ર દ્વારા સંચાલિત હેપ્પી હોમ ગેસ એજન્સીની તપાસ કરીને ભૂતકાળમાં અનેક એજન્સીઓમાં આવા કૃત્ય પકડાયા છે, તો સંચાલકો સામે ગુનો દાખલ કરીને તાળાં મારવામાં આવ્યા છે. ત્યારે નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી ગેસ એજન્સી બંધ કરવાની માગ કોંગ્રેસે કરી છે.

વડોદરા શહેરના સયાજીગંજ મત વિસ્તારના ધારાસભ્યના પુત્ર હિરેન સુખડિયાની હેપ્પી હોમ ગેસ એજન્સીના સિલિન્ડર્સમાંથી ગેસચોરી કરવાનું કૌભાંડ એસઓજીએ ઝડપી પાડયું હતું. ૧૧ મહિનામાં બીજીવાર કૌભાંડ ઝડપાયું હતું. જાે કે, આ સંદર્ભે ધારાસભ્ય મેદાનમાં આવી ગયા હતા અને ગેસચોરી કરતાં તમામના નાર્કોટેસ્ટ કરવાની માગ સાથે શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલા આ વિવાદ વચ્ચે શહેર કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, ભૂતકાળમાં જે રીતે એજન્સીના સંચાલકો સામે ગુનો દાખલ કરી તેમની એજન્સી બંધ કરવામાં આવી હતી, તેવી જ રીતે હિરેન સુખડિયા સંચાલિત હેપ્પી હોમ ગેસ એજન્સીના સંચાલક નિર્દોષ સાબિન ન થાય ત્યાં સુધી એજન્સી બંધ કરવામાં આવે અને કાયદો તમામ માટે એકસમાન છે જે સાબિત કરવામાં આવે. મહિલાઓના હક્કના ગેસ બોટલોમાંથી ગેસની ચોરી એ મહિલાઓના હક્ક ઉપર તરાપ મારવા સમાન છે. અમારી પાસે વધુમાં એવી માહિતી પ્રકાશિત થઈ છે કે આ કૃત્ય કરતાં કેટલાંક ઈસમો તથા બની બેઠેલા વગદાર વ્યક્તિઓ આવા કૃત્ય કરાવડાવે છે અને તેમાં શહેરના ઉત્તર સીમાએ આવેલા પોલીસ સ્ટેશનના કેટલાક વહીવટદાર કર્મચારીઓ આવું કૃત્ય કરવા માટે ફરજ પાડે છે જેની સાચી દિશામાં તપાસ કરવા માંગણી કરી હતી.