વડોદરા ,તા.૨૧

કોરોના ના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા સરકાર દ્વારા છુપાવવામાં આવ્યાનુ વળતર માટે આવેલ અરજીઓ પરથી સ્પષ્ટ થયુ છે. તેવા આક્ષેપ સાથે કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવાર જનને રૂપિયા ૪ લાખનું વળતર આપવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. આજરોજ વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને માજી કેન્દ્રીય મંત્રી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ૪ લાખનું વળતર ઉપરાંત તમામ મેડિકલ ખર્ચ અને મૃતકના પરિવાર માંથી એક ને નોકરી તેમજ કોરોના મહામારીમાં સરકારી તંત્રની નિષ્ફળતાની નિષ્પક્ષ તપાસ કરી જે કોઈ જવાબદાર હોય તેઓ સામે પગલાં લેવાની માગણી કરી હતી.

પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે સરકાર કોરોના ના કારણે થયેલા મૃત્યુના આંકડા છુપાવે છે અને પોતાની નબળાઈ દબાવીને ૧૦૦૦૦ મોત થયા હોવાનું કહે છે , પરંતુ એક રિપોટને ર્ ટાંકતા તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં આશરે ત્રણ લાખના મોત થયા છે. સરકાર હાલ જે વળતર આપી રહી છે તે માટે સરકાર પાસે એક લાખ અરજીઓ આવી છે. જેમાંથી ૬૦હજાર મંજૂર કરાઈ છે. ૧૫૦૦૦ પેન્ડિંગ છે અને અનેક અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. કોરોના થી મૃત્યુ થયા છે તેવા સરકાર સર્ટિફિકેટ પણ આપતી નથી અને આંકડાઓ છુપાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે ઉદ્યોગપતિઓના એન પીએ થયેલા દસ લાખ કરોડ માફ કર્યા છે ,પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને જાેઈએ તેવી મદદ કરી નથી. કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ હેઠળ મૃતકના પરિવારને ચાર લાખ આપવા જાેઈએ. જેમાં ૭૫ ટકા રકમ કેન્દ્ર સરકાર અને બાકીની ૨૫ ટકા રકમ એટલે કે એક લાખ રૂપિયા રાજ્ય સરકારે આપવા જાેઈએ. વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત થયેલા લોકોનું પ્રતિનિધિત્વ મળે તેવા ઉમેદવારોને કોંગ્રેસ પસંદ કરશે.