વડોદરા : કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ, કડાણા ડેમ અને દેવડેમમાંથી પાણી છોડાતાં નર્મદા, મહીસાગર તેમજ દેવનદીની સપાટી વધતાં નર્મદા નદીના પાણી કેટલાક ગામોમાં પ્રવેશ્યાં હતાં. જાે કે, વડોદરા જિલ્લા વહીવટીતંત્રે નદીકાંઠાના વડોદરા, વાઘોડિયા, ડભોઈ, સાવલી, પાદરા, ડેસર, કરજણ, શિનોરના ગામોને એલર્ટ કરીને નદી કિનારે નહીં જવાની સૂચના આપી છે. જ્યારે ડભોઈના બે અને કરજણના એક ગામેથી ૪ર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છેે. મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને પગલે શનિવારે સરદાર સરોવર ડેમના ૨૩ દરવાજા ખોલીને તબક્કાવાર ૮ લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું હતું. આજે સાંજે નર્મદા ડેમની સપાટી ૧૩૨ મીટરે પહોંચતાં ૧૧.૧૨ લાખ કયુસેકની આવક સામે ડેમના દરવાજા અને જળવિદ્યુત મથકોમાંથી ૯.પ૪ લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા કાંઠાના ડભોઈ તાલુકાના ૩, શિનોર તાલુકાના ૪ અને કરજણ તાલુકાના ૬ મળીને ૧૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જાે કે, કેટલાક ગામોમાં પાણી પ્રવેશતાં ડભોઈના નંદેરિયા ગામના ૧૭ અને કરનાળીના ૧૧ તેમજ કરજણના સાપર ગામના ૧૪ મળીને ૪ર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેવી જ રીતે, કડાણા ડેમમાંથી ૪.ર૭ લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં મહીનદી કાંઠાના સાવલી, ડેસર, વડોદરા અને પાદરા તાલુકાના ૬૦ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે પાદરા તાલુકાના ડબકા ભાઠા વિસ્તારના ર૦ કુટુંબોના ૧૨૫ લોકોને ખસી જવાની સૂચના આપવામાં આવી છે. દેવડેમનું રૂલ લેવલ જાળવવા ત્રણ આંશિક ખોલવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. ચાંદોદ, કરનાળી ખાતે એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.