વડોદરા, તા.૨૭

શહેરની અકોટાની જેમ માંજલપુર વિધાનસભા બેઠક પણ વર્ષ ૨૦૧૨થી અસ્તિત્વમાં આવી રાવપુરા અને શહેર-વાડી વિધાનસભા ક્ષેત્રના ભાગમાંથી બનેલી આ બેઠક શરૂઆતથી જ એટલે કે પાછલી બે ચૂંટણીથી ભાજપના ગઢ સમાન છે. આ વખતે રાજ્યમાં વિધાનસભાની ૧૮૨ પૈકી ૧૮૧ ઉમેદવારોના નામ ભાજપે જાહેર કરી દીધા હતા, પરંતુ એકમાત્ર માંજલપુર બેઠક પર ભાજપે તેના ઉમેદવારનું નામ જાહેર કરવા ભારે ખેંચતાણ સર્જાયું હતું. આખરે ૭પ વર્ષની વયમર્યાદાનો બાધ હટાવી ૭૬ વર્ષના એકમાત્ર ઉમેદવાર અને છેલ્લી ૭ ટર્મથી સતત જીતતા આવતા યોગેશ પટેલને ટિકિટ ફાળવી હતી. માંજલપુર બેઠકમાં વોર્ડ નં.૧૬નો કેટલોક ભાગ, વોર્ડ નં.૧૭, ૧૮, ૧૯નો સમાવેશ થાય છે જેમાં વોર્ડ નં.૧૬માં બે કોર્પોરેટરોને બાદ કરતાં અન્ય તમામ ૧૪ કોર્પોરેટરો ભાજપના ચૂંટાયેલા છે. વર્ષ ૨૦૧રમાં આ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ થયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપના યોગેશ પટેલને ૯ર,૬૪ર અને કોંગ્રેસના ચિન્નમ ગાંધીને ૪૦,૮પ૭ મત મળ્યા હતા. આમ, યોગેશ પટેલનો પ૧,૭૮પ મતથી વિજય થયો હતો. જ્યારે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના યોગેશ પટેલને ૧,૦પ,૦૩૬ જ્યારે કોંગ્રેસના ચિરાગ ઝવેરીને ૪૮,૬૭૪ મત મળતાં યોગેશ પટેલનો પ૬,૩પર મતની સરસાઈથી વિજય થયો હતો.

આ વિધાનસભા ક્ષેત્રમાં પાટીદાર, મહારાષ્ટ્રીયન, વૈષ્ણવ અને બ્રાહ્મણ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ વિસ્તારમાં હજારો મકાનોના દસ્તાવેજાેનો પ્રશ્ન, ટ્રાફિક સમસ્યા, પાણી વગેરેની સમસ્યા છે. જાે કે, શહેરની પાંચેય બેઠક ભાજપ માટે સલામત ગણાય છે. ભાજપના ઉમેદવાર લોકો વચ્ચે રહેવા ટેવાયેલા છે. જ્યારે કોંગ્રેસે તાજેતરમાં જ પક્ષમાં જાેડાયેલાં મહિલા ઉમેદવાર ડો. તશ્વિનસિંઘને ટિકિટ આપી છે. જાે કે, એન્ટિઈન્કમબન્સી છતાં શહેરી મતદારોનો ઝુકાવ ભાજપ તરફ જાેવા મળી રહ્યો છે.

કોંગ્રેસ માટે આ વખતે પણ કપરાં ચઢાણ

છેલ્લી બે ટર્મથી આ બેઠક ભાજપ અડધો લાખ કરતાં વધુ મતોની સરસાઈથી જીતે છે. આ વખતે છેલ્લી સાત ટર્મથી સતત જીતતા યોગેશ પટેલને ભાજપે ફરી ટિકિટ આપી છે. તો કોંગ્રેસે નવા ઉમેદવાર ડો. તશ્વિનસિંઘને મેદાનમાં ઉતાર્યાં છે. જાે કે, આ વિધાનસભામાં બેને બાદ કરતાં તમામ કાઉન્સિલરો ભાજપના છે. તો સંગઠન પણ મજબૂત છે. ત્યારે આ બેઠક કોંગ્રેસને જીતવા માટે કપરાં ચઢાણ હોય તેમ લાગી રહ્યું છે.