દિલ્હી-

વિશ્વભરમાં કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાં રેકોર્ડ દર્દી મળી રહ્યા છે. WHOએ યુરોપમાં એલર્ટ જારી કર્યું છે. WHOના યુરોપના ડાયરેક્ટર હાન્સ ક્લૂગે ડિસે. સુધીમાં યુરોપમાં હજુ 2 લાખથી વધુ મોત થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે યુરોપમાં મૃત્યુઆંક ફરી ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને ગરીબ દેશોમાં. ગયા અઠવાડિયે આ દેશોમાં મૃત્યુઆંક 11% વધ્યો છે. આ જ સ્થિતિ રહી તો 1 ડિસે. સુધીમાં યુરોપમાં 2.36 લાખથી વધુ મોત થશે.

તેમણે યુરોપમાં વધેલા સંક્રમણ માટે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર ગણાવ્યો. તેમનું કહેવું છે કે કોરોનાને હરાવવા વેક્સિનેશનને વેગ આપવાની જરૂર છે. નોંધનીય છે કે યુરોપમાં અત્યાર સુધીમાં કોરોનાથી 12.69 લાખ મોત થઇ ચૂક્યા છે. એશિયન દેશ ફિલિપાઇન્સમાં સોમવારે કોરોનાના નવા 22,194 દર્દી મળ્યા. આ આંકડો છેલ્લા 19 મહિનામાં સૌથી વધુ છે. અહીં પહેલો દર્દી ગત વર્ષે 30 જાન્યુ.એ મળ્યો હતો. દર્દીઓ અચાનક વધતાં આરોગ્ય સેવાઓ બદતર થઇ છે. હોસ્પિટલ બેડ ખૂટી પડ્યા છે. મોટા ચર્ચને હોસ્પિટલમાં ફેરવી ત્યાં સારવાર કરાઇ રહી છે.