હૈદરાબાદ-

તેલંગણા સરકારે કોરોના મહામારીકાળમાં આજીવિકા ગુમાવી ચૂકેલા માન્ય ખાનગી શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને પ્રતિ મહિને રૂપિયા ૨,૦૦૦ રોકડ અને ૨૫ કિલો ચોખાની સહાય વિના મૂલ્યે આપવા ર્નિણય લીધો છે. કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત અનેક ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી છે. આવી શાળાઓના ૧.૫૦ લાખ શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને આજીવિકા ગુમાવવાનો વારો આવ્યો છે. મુખ્યપ્રધાન કાર્યાલયની યાદીમાં જણાવ્યા મુજબ મુખ્યપ્રધાને આ રીતે આજીવિકા ગુમાવી ચૂકેલા ખાનગી શાળાના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને માનવતાને ધોરણે સહાય પૂરી પાડવા ર્નિણય લીધો છે.શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ ના થાય ત્યાં સુધી આ સહાય મળતી રહેશે.

રાજ્યના શિક્ષણ પ્રધાને શુક્રવારે રાજ્ય સરકારના ઉચ્ચ પદાધિકારીઓ અને જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સિંગથી આ મુદ્દે ચર્ચા કરી હતી. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ૧૦થી ૧૫ એપ્રિલ દરમિયાન લાભાર્થીઓની ઓળખ થશે. તે પછી ૧૬થી ૧૯ દરમિયાન સામે આવેલા લાભાર્થીના નામની ચકાસણી હાથ ધરવામાં આવશે. ૨૦ એપ્રિલથી ૨૪ એપ્રિલ સુધીમાં લાભાર્થીના બેન્ક ખાતામાં રોકડ સહાયના નાણાં જમા થઈ જશે. તમામ લાભાર્થીને તાકીદના ધોરણે ૨૫ કિલો ચોખાનો પુરવઠો પૂરો પાડવામાં આવશે.