ગાંધીનગર-

કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા હવે ઓફલાઇન પરીક્ષા લેવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે એક પછી એક પરિક્ષાઓની તબક્કા વાર શરૂઆત થઇ રહી છે. ધોરણ ૧૦ અને ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા ર્નિણય કરાયો છે ત્યારે રિપીટરોની પરીક્ષા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ પીજી અને યુજીના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ૮ જુલાઇથી પ્રથમ તબક્કામાં ૧૨૮ કેન્દ્રના ૧૨૫૦ બ્લોક પર પીજી અને યુજીના ૩૦૭૪૩ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બી.એ., બી.કોમ., બી. એસસી. સેમ.૧ અને ૩ ઉપરાંત અનુસ્નાતકમાં એમ.એ., એમ.કોમ., એમ.એસસી. સેમ.૪ સહીતની ૬૪ કોર્સની પરીક્ષાનો સમાવેશ થાય છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી એ જણાવ્યું હતું કે, આગામી ૮ જુલાઇ થી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થશે જેમાં ૧૨૮ કેન્દ્ર પર ૩૦૭૪૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યાર બાદ બીજા તબક્કાની ૧૫ અને ત્રીજા તબક્કાની ૨૨ જુલાઇ થી પરીક્ષા લેવામાં આવશે. જે પરીક્ષામાં દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થાય તે માટે દરેક કોલેજ અને સેન્ટર પર સૂચના આપી દેવામાં આવી છે. ખાસ સોશીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે પ્રકારની સુવિધા સાથે આયોજન કરવામાં આવેલ છે.