સુરત-

કોરોનાને કારણે તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી હતી. હવે ધીરે ધીરે રાજ્ય સરકાર દ્વારા જે પ્રતિબંધો દૂર કરીને શાળા-કોલેજાે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રિ સ્કૂલ પણ શરૂ કરવામાં આવે તેવી માગ વાલીઓ અને પ્રિ સ્કૂલના સંચાલકો કરી રહ્યા છે. પ્રિ સ્કૂલના સંચાલકો અને વાલીઓએ આજે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. પ્રિ સ્કૂલ સંચાલકોના કહેવા પ્રમાણે બાળકો માટે ઓનલાઈન શિક્ષણ સ્વાસ્થ્ય માટે સારી બાબત નથી.

સુરતમાં ચાલતી ૨૫૦ કરતાં વધારે સ્કૂલના સંચાલકો દ્વારા આજે લેખિતમાં જિલ્લા શિક્ષણ અધિકારીને ઝડપથી શાળા ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમના કહેવા પ્રમાણે ૦થી ૬ વર્ષના બાળકોને ઓનલાઇન ભણવામાં ખૂબ જ તકલીફ થાય છે. વિશેષ કરીને મોબાઇલ ઉપર શિક્ષણ આપવાના કારણે તેમની આંખો ઉપર વધુ અસર થઈ રહી છે. જે બાળકોના સ્વાસ્થ્ય માટે સારી બાબત નથી. શહેરમાં ઘણા એવા નોકરીયાત વાલીઓ છે કે જેઓ પોતાના બાળકોને સ્કૂલમાં મૂકી જતા હોય છે. આ બાળકો માટે ખૂબ જ સુરક્ષિત સ્થળ છે કે જ્યાં જ્ઞાનની સાથે તેમની સાચવણી પણ યોગ્ય રીતે થાય છે. તમામ વાલીઓ નોકરી કરે છે તેમની નોકરી હવે શરૂ થઈ ગઈ છે. તેવા સમયે તેમના બાળકોને ક્યાં રાખવા તે પણ એક મોટો પ્રશ્ન છે. તેવા વાલીઓ પોતાના ઘરની આસપાસ જે પ્રિ સ્કૂલ ચાલતી હોય છે, ત્યાં મૂકતા હોય છે. જેથી કરીને તેમને શૈક્ષણિક જ્ઞાન પણ મળે અને તેઓ એક સારા વાતાવરણમાં દિવસભર પોતાનો સમય પસાર કરી શકે.