રાજકોટ-

હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસનોકહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત્ રહેશે તેવી જાહેરાત પણ કરી હતી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલી ડિસેમ્બરથી બીએ, બીકોમ, બીએસસી, સેમેસ્ટર 5 સહિતની પરીક્ષાઓ શરૂ થવાની હતી. તે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

આગામી ડિસેમ્બર મહિના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઠક મળશે. જે બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેશે. તેમજ પરીક્ષા અંતર્ગત કયા ક્યાં નીતિ નિયમોનું પાલન કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોનું માનીએ તો કોરોના સંક્રમણ વધુ નહિ ફેલાય તો પરીક્ષા 15મી ડિસેમ્બર બાદ ગમે ત્યારે લેવાય શકે છે. જે બાબતની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળનારી બેઠકમાં જાહેર કરવામાં આવશે.