ગાંધીનગર-

રાજયની ૯૪૩ સરકારી અને ૩૨૪૦ બિન સરકારી અનુદાનિત શાળાઓમાં અમર્યાદિત ઇન્ટરનેટ સેવા ભારત સંચાર નિગમ લીમીટેડ દ્વારા પ્રથમ તબક્કામાં પુરી પાડવામાં આવી છે અને ૩૧ નવેમ્બર સુધીમાં ૧૪૫ સરકારી અને ૧૭૫૩ બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ઇન્ટરનેટ સેવા પુરી પાડી છે. આથી જે શાળાઓમાં ભારત સંચાર નિગમ લીમીટેડ સેવા પુરી પાડી શકી નથી તેવી ૭૯૮ સરકારી અને ૧૪૮૭ બિન સરકારી અનુદાનિત શાળાઓને જે તે જિલ્લામાં સૌથી સારી ઇન્ટરનેટ સેવા પુરી પાડતી એજન્સી મારફતે શાળા કક્ષાએ સેવાઓ મેળવવાની ગ્રાન્ટ જે તે શાળાને ફાળવવાનો ર્નિણય કમિશ્નર ઓફ સ્કૂલ્સ દ્વારા કરવામાં આવ્યો છે. કમિશનર, શાળાઓની કચેરીના નાયબ નિયામકે રાજયના જિલ્લા શિક્ષણાધિકારીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, આ યોજનામાં માત્ર સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો જ સમાવેશ કરવામાં આવશે. જાે કોઇ કારણસર યાદીમાં/યોજનામાં સમાવિષ્ટ શાળા બંધ થાય કે પછી બંધ હોય અથવા યોજનામાં જાેડાવવા ન માંગતી હોય તેની જાણ તેના સ્થાને સમાવવાની થતી શાળની વિગતો શિક્ષણ વિભાગને કરવાની રહેશે.

આ યોજના અંતર્ગત શાળાઓમાં અમર્યાદિત ઇન્ટરનેટ કનેકશન ઇન્સ્ટોલ કરવા સહિત શાળા દીઠ માસિક મહત્તમ ૧૨૫૦ રૂપિયા ચૂકવી શકાશે. શાળા જે તે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં જે ઇન્ટરનેટ સેવા પ્રોવાઇડરની સર્વિસ સૌથી સારી હોય તેની પાસેથી મહત્તમ ખર્ચની મર્યાદામાં શાળાએ ઇન્ટરનેટ પ્લાન લેવાનો રહેશે. શાળા દ્વારા કોઇ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પાસેથી ઇન્ટરનેટની સર્વિસ લીધા બાદ જાે તેઓને ઇન્ટરનેટ સર્વિસ બાબતે ફરિયાદ હોય તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર બદલવા અંગેનો ર્નિણય લઇ શકશે. તેમ જ ઇન્ટરનેટ કનેકશન સંદર્ભે થતી તમામ સમસ્યાઓનું નિરાકરણ શાળાએ જ કરવાનું રહેશે. ઇન્ટરનેટ કનેક્ટિવીટી અંગેની લોગ બુક શાળાએ નિભાવવાની રહેશે. જેમાં શાળામાં જે દિવસે ઇન્ટરનેટ કનેક્ટિવીટી ખોરવાય તે તારીખની નોંધણી તેમ જ કમ્પલેઇન નંબર સહિતની નોંધ કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ તેઓના જિલ્લાની શાળાઓના ઇન્ટરનેટ કનેકશન બાબતે તમામ વિગતો નિભાવવાની રહેશે.

તેમ જ શાળાઓને નિયમિત ગ્રાન્ટની ચૂકવણી કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ ઓડિટને આધિન રહેશે. શાળાએ આ યોજના હેઠળ કનેકશન લીધું છે કે કેમ તેની ચકાસણી ડીઇઓ કચેરી દ્વારા કરવાનું રહેશે. શાળાઓ દ્વારા શક્ય એટલા વધુ સર્વિસ પ્રોવાઇડર પાસેથી ભાવપત્રક મેળવ્યા બાદ સર્વિસને ધ્યાનમાં લઇને સર્વિસ પ્રોવાઇડરની સેવાઓ લેવી. શાળામાં અમર્યાદિત ઇન્ટરનેટ સુવિધા શાળાના શૈક્ષણિક અને વહીવટી કાર્યો માટે પુરા પાડવામાં આવ્યા છે. આ કનેકશનનો ઉપયોગ વ્યવસાયિક કે અન્ય ખાનગી સંસ્થાના કે વ્યક્તિગત ઉપયોગ માટે ન થાય તેની તકેદારી જે તે શાળાના આચાર્યએ રાખવાની રહેશે. આવી કોઇ બાબત ધ્યાને આવશે તો તે શાળા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.