ગાંધીનગર-

રાજ્યમાં વર્ગ ઘટાડો થતા કે સંખ્યા ઓછી હોવાના કારણે બિનસરકારી અનુદાનિત શાળા બંધ કરવાની નોબત સરકારને આવી છે. પરંતુ આ સંસ્થાઓમાં અભ્યાસ કરાવતાં શિક્ષકોને કે બિનશૈક્ષણિક સ્ટાફને અન્યત્ર ખસેડવા શિક્ષણવિભાગ અને સ્કુલ કમિશનર સમક્ષ યયેલી રજૂઆતને સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે. જેના પગલે આ પ્રકારે ફાજલ થયેલાં શૈક્ષણિક કે બિનશૈક્ષણિક સ્ટાફને સમાવીને નોકરીમાં યથાવત રાખવાનો શરતી નિર્ણય શિક્ષણવિભાગે કર્યો છે. શિક્ષણવિભાગે કરેલાં પરિપત્ર મુજબ રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ફિક્સપગારદાર સહિતના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે નિર્ણયનો અમલ થશે. વર્ગ ઘટાડો કે શાળા બધ થવાની સ્થિતિમાં શિક્ષક કે કર્મચારીને ફાજલ જાહેર કરવાની કે અન્ય શાળામાં સમાવવા અંગેની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીએ કરવાની રહેશે. સ્વૈચ્છિક નિવૃત્તિ , વય નિવૃત્ત કે અવસાન પામેલા કર્મચારીના પરિવારના કોઇપણ કેસ માટે આ નિર્ણય લાગુ થશે નહીં. ફાજલ થયેલાં શૈક્ષણિક કમર્ચારને તેઓના સંબંધિત વિભાગ અને વિષયની જગ્યા પર સમાવવાના રહેશે.

ફાજલ થયેલાં કર્મચારીઓને જે જિલ્લામાંથી ફાજલ થયેલ હોય તે જ જિલ્લાની અન્ય બિનસરકારી અનુદાનિત શાળામાં સમાવવાના રહેશે. જિલ્લામાં ખાલી જગ્યા નહીં હોય તે નજીકના જિલ્લામાં અને ત્યારબાદ પણ જગ્યા ખાલી નહીં હોય તો રાજ્યના જે જિલ્લામાં ખાલી જગ્યા હોય ત્યાં સમાવવાના રહેશે. આ અંગેની જાણ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી શિક્ષણ કમિશનરને કરવાની રહેશે. ફાજલ થયેલાં શિક્ષક કે કર્મચારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફાળવવામાં આવેલાં સ્થાને હાજર નહીં થાય તો ફાજલનું રક્ષણ રદ કરાશે. ફાજલ શિક્ષકોને નોકરીના વર્ષ ધ્યાને લીધા વિના નિયમ મુજબ છૂટા કરવાના રહેશે. ફાજલનુંરક્ષણ મેળવાનારા જેટલો સમય કામગીરી વિના રહે એ સમય સુધી કોઇપણ સેવાકીય લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ રીતે એકંદરે સરકારે સત્તાવાર પરિપત્ર કરીને ફાજલ શિક્ષકોના હિતમાં શિક્ષકો અને બિનશૈક્ષણિકસ્ટાફને પણ રક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. જે ફાજલ શિક્ષકો માટે લાભદાયી પુરવાર થશે.