ગાધીનગર-

એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમને અપાયેલી ફરજીયાત ‘કોવિડ સહાયક’ની ડયુટી સામે હાઇકોર્ટમાં રિટ કરાઈ છે. તેમની રજૂઆત છે કે તેમની ફાઇનલ પરીક્ષા થોડાં સમયમાં લેવાય તેવી શક્યતા છે અને તેના માટે સતત અને ખંતથી વાંચનની જરૂરિયાત છે. એમબીબીએસના વિદ્યાર્થીઓને કોવિડ સહાયકમાં ફરજીયાત ડ્યૂટીના મુદ્દે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના આદેશ બાદ વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી છે. એમબીબીએસના વિદ્યાર્થીઓને લઈને ગુજરાત હાઈકૉર્ટનું અવલોકન તબીબી ક્ષેત્રેના વિધાર્થીઓ દેશનું ભવિષ્ય હોવાનું જણાવ્યું છે. પરંતુ અરજદાર વિદ્યાર્થીઓ તેમની ફરજમાંથી દૂર થવા માંગે છે. જેથી હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓને કામગીરી માટે યોગ્ય તાલીમ આપવામાં આવે.

એટલું જ નહીં, એમબીબીએસના વિદ્યાર્થીઓની કોરોનામાં કામગીરીની નોંધ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવે. તેવી વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે. ગુજરાત હાઈકૉર્ટે જણાવ્યું હતું કે, એમબીબીએસના વિદ્યાર્થીઓ કોવિડ ડ્યુટીથી ડરી રહ્યા છે કે પછી સમાજની ચિંતા છોડી પોતાનું હિત ઈચ્છી રહ્યા છે? ત્યારબાદ તેમની અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને એક આદેશ કર્યો છે, જેમાં કોરોનામાં વિદ્યાર્થીઓને તેમની કામગીરી માટે યોગ્ય તાલીમ આપવાની જાેગવાઈ કરવા જણાવ્યું છે. આ સિવાય વિદ્યાર્થીઓની કામગીરીની નોંધ લેવામાં આવે અને સ્ટાઈપેન્ડ આપવાનો આદેશ કર્યો છે. એમબીબીએસના વિદ્યાર્થીઓને કોવિડ સહાયકમાં ફરજીયાત ડ્યૂટી આપવાના સરકારના ર્નિણય બાદ હાઈકોર્ટમાં રિટ કરી હતી. આ રિટ એ.એમ.સી. સંચાલિત એન.એચ.એલ. મેડિકલ કોલેજ અને એમ.એમ.સી. મેટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કરી હતી.

જેથી એ.એમ.સી.એ હાઇકોર્ટમાં કેવિયેટ ફાઇલ કરી હોવાથી કેસની સુનાવણી આજે હાથ પર લેવામાં આવી હતી. અરજદાર વિદ્યાર્થીઓની રજૂઆત છે કે 13-03-2020થી રાજ્ય સરકાર દ્વારા એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળની જાેગવાઇઓ રાજ્યમાં લાગુ કરવામાં આવી છે. આ જાેગવાઇઓ હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 17-07-2020ના રોજ ‘કોવિડ સહાયક’ની ભરતી અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમ.બી.બી.એસ., બી.ડી.એસ., બી.એ.એમ.એસ., બી. એચ. એમ. એસ., ફિઝીયોથેરાપી અને બી.એસ.સી.( નર્સિંગ)ના વિદ્યાર્થીઓને કોરોનાની સારવાર અંગેની જરૂરી તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ ‘કાવિડ સહાયક’ તરીકે તેમને ફરજ સોંપવામાં આવશે.