અમદાવાદ-

કોરોનાને કારણે રાજ્યની ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય ઠપ્પ થયું હતું તેમજ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી અને ઘણી પરીક્ષાઓ પાછી ઠેલવવી પડી હતી. શાળાઓમાં માસ પ્રમોશન આપી દેવાયું છે તો કેટલીક યુનિવર્સિટીએ કોરોનાને કારણે પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી લેવાનું નક્કી કર્યુ હતું. GTU ની ઓનલાઈન પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે. કોરોનાને કારણે પાછી ઠેલાયેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTUની ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થઇ ગઈ છે. આજથી શરૂ થઇ રહેલી GTUની આ ઓનલાઈન પરીક્ષામાં અંદાજે 57 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.

 ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા 14 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ઓફલાઈન પરીક્ષા સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ કરી હતી. આ અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે GTUની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ અરજીની સુનવણીમાં GTU એ દલીલ કરી હતી કે અત્યારે લેવાતી પરીક્ષામાં પણ પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં પરીક્ષા આપતા હોવાની અને કોરોના કાબૂમાં આવ્યો હોવાથી ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની કોઈ જરૂર જણાતી નથી. GTU ની આ દલીલને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની 14 વિદ્યાર્થીઓની અરજી નકારી હતી.