દહેગામ-

અહમદપુર પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ પર્વ બાદ "કરૂણા અભિયાન" ની સાથે સાથે પર્યાવરણ બચાવવાના હેતુ સાથે એક ઇનોવેટીવ કાર્ય હાથ ધરવામાં આવ્યું. ગત વર્ષે ઉત્તરાયણ પર્વ બાદ શાળાના વિદ્યાર્થીઓને નકામી દોરી એકત્ર કરવા માટે સૂચન કરવામાં આવેલ હતું.અને સૌથી વધુ દોરી એકત્ર કરનાર વિદ્યાર્થીને પ્રજાસત્તાકદિને જાહેર સન્માન કરવા માટેની પણ જાહેરાત કરવામાં આવેલ હતી.અને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ હતો. ત્યારબાદ સોશિયલ મિડીયા અને સમાચાર પત્રોના માધ્યમથી શાળાના આ કાર્યને ચોમેરથી બિરદાવવામાં આવેલ હતું. સાથે સાથે કેટલાક મિત્રો દ્વારા અમોએ આ એકઠી થયેલ નકામી દોરીનો સળગાવીને નાશ કર્યો, તેના બદલે કોઈ અન્ય રીતે નિકાલ કરી શકાય તે માટે પણ પોતાના અભિપ્રાય આપેલ હતા.આમ આ વર્ષે આ બાબતે કંઈક નવું કરવાની પ્રેરણા મળી.

ગત વર્ષે જે કામ શાળા દ્વારા હાથ ધરવામાં આવેલ હતું, તેમાંથી પ્રેરણા લઈ ચાલુ વર્ષે ગામના યુવાનો ઝાલા ગુલાબસિંહ, ઝાલા રાજુસિંહ અને વાળંદ કાળાભાઈ તથા વડિલોએ સાથે મળી ઉત્તરાયણ બાદ નકામી દોરી કઈ રીતે એકત્ર કરી શકાય તે માટે વિચાર-વિમર્શ કરી ગામના બાળકો પાસેથી આ વેસ્ટ દોરી ખરીદવા માટેનું આયોજન કર્યુ. આ માટે દાતાઓના સહયોગથી નાણાંકીય ભંડોળ પણ એકત્ર થઈ ગયું.અને ૫૦ રૂા.એક કિલોગ્રામ દોરી ખરીદવાની શરૂ થઈ.ઉત્તરાયણ બાદ ચાર જ દિવસમાં ૮૦ કિલોગ્રામથી વધુ નકામી દોરી ગામના ચોકમાં ભેગી થઈ ગઈ. બીજા દિવસે ગામના યુવાનો દ્વારા ગત વર્ષે શાળાએ કરેલ આ ઉમદા કાર્ય આ વખતે પોતે કર્યાના આનંદ સાથે શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલને જાણ કરી. અને એકત્ર થયેલ દોરીનો ઢગલો પણ બતાવ્યો. આ સાથે તેઓએ દોરી સળગાવી તેનો નાશ કરવા માટેની પણ વાત કરી.

શાળાના આચાર્ય અને શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ તથા અલ્કેશભાઈએ દોરીને સળગાવ્યા સિવાય તેનો ઉકેલ લાવવા વિચારણા શરૂ કરી. બીજા દિવસે ગ્રામજનોને આ દોરી સળગાવવા કરતાં તેમાંથી ખુરશીમાં મૂકવા માટેની ગાદી કે તકિયા બનાવવા સૂચન કર્યુ. ગ્રામજનોએ આ વાતને પ્રજાસત્તાકદિને જાહેર ચર્ચા માટે મૂકવા કહ્યું.અને એ મુજબ પ્રજાસત્તાકદિને આ બાબતે યુવાનો અને ગ્રામજનોએ શાળા દ્વારા અપાયેલ વિચારને સમર્થન આપ્યું.