અમદાવાદ-

સરકાર દ્વારા વર્ષ 2020-21ના શૈક્ષણિક સત્રથી મહેસાણા સ્થિત ગુજરાત પાવર એન્જીનિરીંગ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું (જીપેરી) સંચાલન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) સોંપવામા આવેલ છે. ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ટેક્નિકલ એજ્યુકેશન બાબતે જીપેરીમાં દરેક પ્રકારની તકો પ્રાપ્ત થાય તે હેતુસર જીટીયુ દ્વારા સફળતાપૂર્વક જીપેરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને તાજેતરમાં જ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા જીપેરીમાં પણ ટેક્નિકલ એજયુકેશનમાં ફુલ ટાઈમ પી.એચડી. માટેની મંજૂરી આપવામાં આવી છે. જેથી કરીને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ટેક્નિકલ કોર્સમાં પી.એચડી કરવા માટે મધ્ય ગુજરાત કે રાજ્ય બહારની કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂરત નહી પડે. એડમિશન મેળવેલ તમામ વિદ્યાર્થીઓને કાઉન્સિલના નિયમોનુસાર પ્રતિમાસ પ્રથમ 2 વર્ષ માટે 31000 અને અંતિમવર્ષ માટે 35000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને કુલસચિવ ડો. કે. એન.ખેરે જીપેરી પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં. 

એઆઈસીટીઈ દ્વારા વિવિધ સંલગ્ન કોલેજ પાસેથી ડોક્ટોરલ ફેલોશિપ પ્રોગ્રામના કેન્દ્ર માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં જીટીયુ સંલગ્ન મહેસાણા સ્થિત જીપેરી કોલેજે જીટીયુની મદદથી કાઉન્સિલમાં એપ્લિકેશન કરી હતી. ડોક્ટોરલ ફેલોશિપ પ્રોગ્રામના કેન્દ્ર માટે જીપેરી કોલેજના વિવિધ પાસાઓ જેવા કે, રિસર્ચ સંબધિત વર્ક, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર, દરેક વિભાગની લેબોરેટરીઝ , યુજી અને પીજીના તમામ કોર્સ આધારીત રિસર્ચ વર્ક માટે પી.એચડી ગાઈડની નિમણૂક તથા એનબીએ દ્વારા એક્રેડીટેશન થયેલા કોર્સ સહિતના દરેક માપદંડોને ધ્યાનમાં રાખીને જીપેરીને આ મંજૂરી અપાઇ છે.